- 9 દિવસમાં 8 કલાકના અરસામાં સરેરાશ 85 ઈમરજન્સી
- અમદાવાદમાં છેલ્લા નોરતે સૌથી વધુ 32 કાર્ડિયાક ઈમરજન્સી
- 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાંજે છ વાગ્યાથી રાતના બે વાગ્યા સુધીના અરસામાં હૃદય રોગ સંબંધિત ઈમરજન્સીના 766 કેસ આવ્યા છે, જેમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, એકંદરે ગુજરાતમાં રોજના આ આઠ કલાકના અરસામાં સરેરાશ 85 કોલ્સ આવ્યા છે, જે સામાન્ય રોજિંદા સમયના 88 કોલ્સની સામે 2.81 ટકા જેટલો મામૂલી ઘટાડો છે. નવરાત્રિમાં અમદાવાદ શહેરમાં રોજના 22 કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સી કોલ્સ આવ્યા છે. કાર્ડિયાક ઉપરાંત વાહન અકસ્માત, ચક્કર ખાઈને પડી જવું સહિતના નવ દિવસમાં રોજના સરેરાશ 4161 કોલ્સ આઠ કલાકના અરસામાં નોંધાયા છે.
108 ઈમરજન્સી સેવાના સૂત્રોના કહેવા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લાં નોરતામાં હૃદય રોગ સંબંધિત 93 કોલ્સ સાંજથી રાત દરમિયાન મળ્યા છે, એ જ રીતે 22મી ઓક્ટોબરે 82, 21મી ઓક્ટોબરે 70, 20મી ઓક્ટોબરે 76, 19મી ઓક્ટોબરે 102, 18મી ઓક્ટોબરે 109, 17મીએ 69, 16મીએ 92 અને પહેલાં નોરતે એટલે કે 15મી ઓક્ટોબરે 73 કોલ્સ કાર્ડિયાક ઈમરજન્સીના મળ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં નોરતે સૌથી વધુ 32 હૃદય રોજ સંબંધિત ઈમરજન્સીના કેસ મળ્યા હતા. ગુજરાતમાં શ્વાસ લેવા સંબંધિત તકલીફના સરેરાશ 98 કોલ્સ નોંધાયા છે, જેમાં એકંદરે 10 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, તહેવારોની આ સિઝનમાં ડાયાબિટીસને લગતાં ઈમરજન્સી કેસમાં 16 ટકા જેટલો ઉછાળો આવ્યો છે, આઠ કલાકના અરસામાં રોજના સરેરાશ 19 જેટલા કોલ્સ નોંધાયા છે, સામાન્ય દિવસોમાં આ અરસામાં 16 જેટલા કોલ્સ આવતાં હોય છે.