- ભરૂચમાંથી ઝડપાયો જથ્થો
- આમોદ પુરવઠા મામલતદારે કરી કાર્યવાહી
- સરકારી અનાજની હેરાફેરી ઝડપાઈ
ભરૂચના આમોદમાંથી સરકારી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. અહીં પુરવઠા મામલતદારે આ કાર્યવાહી કરી છે.
ભરૂચમાં સરકારી અનાજની હેરાફેરીની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં અનાજની હેરાફેરીમાં વપરાઈ રહેલો છોટા હાથી ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે 608.02 કિલો ઘઉં અને 1395.65 કિલો ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ જથ્થો સરકારી અનાજના ગોડાઉનમાંથી હિંમતપુરાની એક ખાનગી દુકાનમાં લઈ જવાનો હતો ત્યારે આમોદ પુરવઠા મામલતદારે કાર્યવાહી કરતા આ જથ્થાને ઝડપી લીધો હતો.
માહિતી અનુસાર આમોદના હિમ્મતપુરા વિસ્તાર માંથી એક ખાનગી દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો છોટા હાથી ટેમ્પોમા સગેવગે થતો હતો. આમોદ પુરવઠા મામલતદાર ઘટના સ્થળે પહોંચી જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ તમામ ઘટનાની નોંધ લઈને કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે તંત્રના અધિકારીઓ દ્વારા આગળ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા પણ ઘણી વાર સરકારી અનાજની હેરાફેરીની અનેક ઘટનાઓ સામે આવી હતી, પરંતુ તેમાં કોઈ મોટી કાર્યવાહી થવાના બદલે અંતે બધું ઘીના ઠામમાં ઘી પડી જતું હોય છે ત્યારે આ ઘટનામાં પણ જવાબદારોની સામે કાર્યવાહી થશે કે પછી માત્ર કાગળ પર જ કાર્યવાહી રહેશે તે તો આગળનો સમય જ કહેશે.