- આધેડ વયની વ્યક્તિને ગળે ટૂંપો દઈને હત્યા કરી દેવાયાની આશંકા
- મૃતકના બરડાના ભાગે ઈજાનાં નિશાન મળ્યાં
- પિતાના અંતિમ સંસ્કારમાં સગો પુત્ર જ ન આવતા અનેક તર્કવિતર્ક
પાટડી પોલીસ મથક હેઠળ આવતા સડલા ગામની સીમમાંથી નાના ગોરૈયા ગામના આધેડ ખેડૂતનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો બનાવની જાણ થતા પાટડી પોલીસ તથા એસપી સહિતનો કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તારણ મુજબ કોઈએ આધેડ ખેડૂતને ગળે ટૂંપો દઈ હત્યા કરી હોવાની શંકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મૃતદેહને પાટડી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નાનકડા ગામમાં ખેડૂતનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પરીવારજનો અને સમગ્ર વિસ્તારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું
દસાડા તાલુકાના પાટડી પોલીસ મથકના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મારામારી તથા ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. હળમતિયા હનુમાનજી મંદિર ખાતે ચોરી કરતા બે શખ્સ કેમેરામા કેદ થયા હતા. જેને લઇ લોકોમાં ફ્ફ્ડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે સડલા ગામની સીમમાં નાના ગોરૈયા ગામના આધેડ ખેડૂત શાંતિલાલ બાબુભાઈ પટેલ ઉંમર વર્ષ.52 પોતાના ખેતરમાં આવેલ ઓરડીમાં એકલવાયું જીવન જીવતા હતા. તા. 25મીની રાત્રે કોઈએ તેમની હત્યા નિપજાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પાટડી પોલીસ તથા સુરેન્દ્રનગર એસપી સહિતનો કાફ્લો ઘટનાસ્થળે પહોંચ્યો હતો તેમજ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આધેડ વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર તેમનાં લોહીના સંબંધનો કોઈ સગો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
મૃતકને ઓરડીમાં ઘસડીને મૂક્યો હોવાની શક્યતા
પ્રાથમિક તપાસમાં બનાવ સ્થળે ઝપાઝપી થઈ હોવાની પણ વિગતો બહાર આવી હતી. આ ઉપરાંત મૃત્તક આધેડને બરડાના ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેથી અન્ય જગ્યાએ ઝપાઝપી કરી ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી ઓરડીમાં મૃતદેહ મુકી આરોપી ફરાર થયો હોવાની આશંકા વર્તાઈ રહી છે. એટલું જ નહીં પિતાનું મૃત્યુ થયું હોવા છતાં પુત્ર હોસ્પિટલે ડોકાયો નહીં. આધેડનો પુત્ર મોરબી નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. પિતાનું મૃત્યુ થયું હોવા છતાં પુત્ર હોસ્પિટલે ડોકાયો નહોતો. જેથી પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.