- તા.2જી નવેમ્બરે મધરાતથી એસટી બસનાં પૈડાં થંભાવી દેવાની ચીમકી અપાઈ
- એસ.ટી. નીગમના કર્મીઓએ પોતાની 19 પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજુ કરી
- માંગણીઓ બાબતે નીરાકરણ ન લાવતા અંતે કર્મીઓની ધીરજ ખુટી
ગુજરાત રાજય એસ.ટી. નીગમના કર્મીઓએ પોતાની 19 પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજુ કરી હતી. પરંતુ સરકાર આ બાબતે કોઈ નીરાકરણ ન લાવતા અંતે કર્મીઓની ધીરજ ખુટી છે અને તેઓ આંદોલનના માર્ગે ગયા છે. મહાસંઘના આદેશ મુજબ ગત તા. 23મીથી એસ.ટી. કર્મીઓ દેખાવો કરી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 4 એસ.ટી. ડેપો સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા અને ચોટીલામાં પણ કર્મચારીઓ આંદોલનના મુડમાં આવી ગયા છે. તા. 26મીએ એસ.ટી. વર્કસ ફેડરેશનના કિશોરસીંહ પરમાર, એસટી કર્મચારી મંડળના રાજેન્દ્રસીંહ પરમાર અને એસ.ટી.મઝદુર સંઘના વિપુલભાઈ વ્યાસ સહિતના કર્મચારીઓ સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. જેમાં 7મા પગાર પંચ મુજબ એચઆરએ, ઓવરટાઈમ આપવા, ફીકસ પગારના કર્મીઓને પાછલી અસર મુજબ વધારો આપવા સહિતની 19 માંગણીઓ પુરી કરવા સુત્રોચ્ચાર કરાયા હતા. આ ઉપરાંત ઘંટારવ કરી સરકારને જગાડવાનો પ્રયાસ પણ કરાયો હતો. કર્મીઓની માંગણીઓ ન સંતોષાય તો તા. 2જી નવેમ્બરની મધરાતથી કર્મીઓએ બસના પૈડા થંભાવી દેવાની પણ ચીમકી આપી છે. લીંબડી એસ.ટી. ડેપો બહાર મદનસિંહ જાડેજા, લખધીરસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ રાણા, શંકરલાલ સહિતના કર્મીઓએ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માગ કરી હતી.