- SOG ટીમે દરોડો કરીને દવાઓ સાથે પકડી પાડયો
- ઝડપાયેલા બોગસ તબીબ સામે જિલ્લાના ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
- પોલીસે રૂ. 5,060ની એલોપેથીની દવાઓ સાથે તબીબને પકડી પાડયો
ચૂડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહેલી એસઓજી ટીમને ચૂડાના જોરાવરપરા વિસ્તારમાં એક શખ્સ ડિગ્રી ન હોવા છતાં તબીબી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં બોગસ તબીબને દવાઓ સાથે ઝડપી લઈ ચૂડા પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રહેતી પ્રજાની સારવાર કરતા બોગસ તબીબો અવારનવાર પોલીસના હાથે ઝડપાય છે. ત્યારે ચૂડા શહેરમાંથી વધુ એક બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો છે. બનાવની મળતી માહીતી મુજબ એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની સુચનાથી સ્ટાફના ડાયાલાલ, રવીભાઈ સહિતનાઓ ચુડા શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ચુડાના જોરાવરપરામાં રહેતા રામજી મંદીર પાસે રહેતો મનસુખ નાગજીભાઈ મીઠાપરા પોતાના ઘરે તબીબ ન હોવા છતાં તબીબી પ્રેકટીસ કરતો હોવાની માહીતી મળતા રેડ કરાઈ હતી. જેમાં કંથારીયા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. નીતીનભાઈ ઝેઝરીયાને સાથે રખાયા હતા. આ દરોડા દરમીયાન મનસુખભાઈ નાગજીભાઈ મીઠાપરાની પુછપરછ કરતા તેઓ કોમર્સ ગ્રેજયુએટ હોવાનું બહાર આવ્યુ હતુ. અને તબીબી સારવાર કરવાનું સર્ટીફીકેટ ન હોવા છતાં એક વર્ષથી તબીબી પ્રેકટીસ કરતા હતા. આથી પોલીસે રૂ. 5,060ની એલોપેથીની દવાઓ સાથે મનસુખ મીઠાપરા સામે ચુડા પોલીસ મથકે ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ રવીભાઈ અલગોતર ચલાવી રહ્યા છે.