- જૂનાગઢ જિલ્લામાં 290થી વધુના મોત
- હૃદયરોગ સંબંધિત બીમારીઓથી મોત
- ગુજરાતમાં વધી રહ્યો છે હાર્ટએટેકથી મોતનો રેટ
ગુજરાતમાં હાલના દિવસોમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં જૂનાગઢ જનરલ હોસ્પિટલથી મળેલા આંકડાઓ અનુસાર છેલ્લા 6 મહિનાની અંદર 290થી વધુ લોકો હૃદયરોગના કારણે કાળનો કોળિયો બની ગયા છે.
રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાથી યુવાનોમાં હૃદય રોગ સંબંધિત બીમારીઓની સંખ્યામાં સતત ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે અને હૃદય રોગના હુમલાથી યુવાનો પણ સતત મૃત્યુ પામી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતેના છેલ્લા છ માસના હૃદય રોગ સંબંધિત બીમારીથી થયેલ મૃત્યુના આંકડા જોઈએ તો 293 લોકોના મૃત્યુ હૃદયરોગ સંબંધિત બીમારીથી થયા હોવાનું જાણવામાં આવ્યું છે. જેમાં 54% મૃત્યુ પુરુષોમાં તથા 46% મૃત્યુ સ્ત્રીઓમાં રિપોર્ટ થયા છે. 20 ટકા મૃત્યુ 35 વર્ષથી નીચેની વ્યક્તિઓના થયા છે. આ એક ખૂબ જ ચિંતાજનક તથ્ય છે.
બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં બાળ આરોગ્ય ચકાસણી અંતર્ગત આંગણવાડી કેન્દ્રના બાળકો તેમજ તાલુકાઓમાં ડોર ટુ ડોર આરોગ્ય તપાસણી ચાલી રહી છે એપ્રિલ થી સપ્ટેમ્બર છ મહિનામાં જન્મથી પાંચ વર્ષ સુધીના 70 હજાર બાળકોનું આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી જેમાં 74 જેટલા બાળકોમાં હૃદય સંબંધી બીમારીઓ જોવા મળી હતી તેમજ 14 જેટલા બાળકોના ફાટેલા હોઠ અને 19 બાળકોના વાંકાચૂકા પગ તેમજ 10 બાળકોમાં જન્મથી બહેરાશના લક્ષણો મળી આવ્યા હતા તેમજ 29 જેટલા બાળકોને નુરલ ટ્યુબ આંખનો વિકાસ સહિતની અન્ય 165 બાળકોમાં જન્મજાત ખામીઓ જોવા મળી હતી જેમાં કેશોદમાં સૌથી વધુ 36 માંગરોળમાં 20 જૂનાગઢમાં 19 માણાવદરમાં 18 મેંદરડા માં 16 ભેસણામાં 15 વંથલી અને વિસાવદરમાં 13 બાળકોમાં આરોગ્ય ચકાસણી અંતર્ગત જન્મજાત બીમારીઓ જોવા મળી હતી.
આમ હાલના દિવસોમાં બાળકોમાં જન્મજાત ખોડખાંપણની સમસ્યા વધી છે તો યુવાનોમાં હૃદય રોગ સંબંધિત મોતના આંકડા વધી રહ્યાં છે જે ખૂબ જ ચિંતાજનક બાબત પુરવાર થઈ શકે તેમ છે. ત્યારે લોકોએ પોતાની જીવન શૈલી સુધારવાની જરૂર છે તેમજ યોગ અને વ્યસન મુક્તિ માટે પણ આગળ આવવું જોઈએ તેવું નિષ્ણાતો માની રહ્યા છે.