- ભાવનગરમાં 8 લોકોના હાર્ટએટેકથી મોત
- 3 દિવસમાં 8ના મોતથી હડકંપ
- નાની ઉંમરના લોકોમાં મોતનું વધતું પ્રમાણ
ગુજરાતમાં હાર્ટએટેકથી હાલના દિવસોમાં ઘણાં લોકોના મોત થઈ રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનોમાં આ રોગના લીધે લોકો જે રીતે મોતને ભેટી રહ્યા છે તેનાથી ચિંતાનું વાતાવરણ ફેલાયું છે. છેલ્લા 3 દિવસમાં ભાવનગરમાં 8 લોકોના મોત થતાં હડકંપ મચી ગયો છે.
ભાવનગરમાં હાર્ટએટેકના વધતા બનાવોથી લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મહત્વનું છે કે હાલના દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી હાર્ટએટેકને લઈને મોટી સંખ્યામાં લોકોના મોતના બનાવોના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને સરકારે પણ ગંભીર નોંધ લીધી છે અને આ મામલે તપાસ કરવા માટે એક કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે.
હાલ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેવી જગ્યાઓથી પણ હાર્ટએટેકના ઘણાં બનાવો સામે આવી રહ્યા છે. જો કે ભાવનગર શહેર અને જિલ્લામાં 3 દિવસમાં 8થી વધુ હાર્ટ અટેકના બનાવો સામે આવવાથી ચકચાર મચી જવા પામી છે. આ 8 લોકોમાં 2 સગીર અને 2 યુવાનો સામેલ જેમના મોત થયા છે. ત્રણ દિવસમાં તળાજા તાલુકાના દેવલી ગામે 17 વર્ષની સગીર કિશોરી તેમજ માઢિયાના 17 વર્ષના કિશોર અને રત્નાબેન વાઘેલા નામની 26 વર્ષીય પરિણીતાનું હાર્ટ એટેકથી નીપજ્યું હતું. જયારે ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં રહેતા હિતેશભાઈ તુવેર નામના યુવાનનું પણ મોત નીપજ્યું હતું.
આ ઉપરાંત 50 વર્ષથી ઉંમર ધરાવતા 3 વ્યક્તિઓના હાર્ટએટેકથી મોત નીપજ્યા હતા. જેમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા હનીફભાઈ કુરેશી તેમજ શિવજીભાઈ વાજા અને ગભાભાઈ વડલીયા નામના વૃદ્ધનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આમ હાલ હાર્ટએટેકના કિસ્સાઓથી મોતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે લોકોમાં તેને લઈને ભયનું વાતાવરણ ફેલાયું છે. ખાસ કરીને આ મામલે લોકોએ હાર્ટએટેકથી બચવા માટે લોકોને પોતાની જીવનશૈલીમાં સુધારો કરવાની સલાહ આપી છે. જેમાં રોજ થોડી કસરત, સાત્વિક ખોરાક, જંક ફૂડથી દૂર રહેવું તેમજ યોગ જેવી ક્રિયાઓનો અભ્યાસ સામેલ છે.