- સીઆર પાટિલની હાજરી
- સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના મંત્રીઓ હાજર
- કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા છે.
મહત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશના શહીદોને વંદન કરવા માટે મારી માટી મારો દેશ કાર્યક્રમનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેથી ગુજરાતભરમાં પણ ભાજપ નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ખાસ કરીને આ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર દરેક વીરોને વંદન કરવા માટે છે.
આ મામલે સીઆર પાટિલે પોતાના વ્યકતવ્યમાં કહ્યું હતું કે પીએમ મોદીએ દેશના વીરોને વંદન કરવાનો આ એક અનુપમ વિચાર વહેતો કર્યો હતો. જેનો સંદેશ સમગ્ર ગુજરાત, દેશ અને વિશ્વમાં જઈ પહોંચ્યો છે. મારી માટી મારો દેશ કાર્યક્રમ દ્વારા આ ભાવના લોકોએ પોતાનામાં ઉતારી બતાવી છે. સીઆર પાટિલે કહ્યું હતું આ અમૃત કળશ દિલ્હીમાં પહોંચશે તો ત્યાંથી પણ વીરોને વંદનની ભાવના ગાશે.
મહત્વનું છે કે 15મી ઓગસ્ટ પહેલા વડાપ્રધાન મોદીએ મારી માટી મારો દેશ કાર્યકર્મનો વિચાર મૂક્યો હતો. જેને લઈને રાજ્યના ખૂણ ખૂણે લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાનો સંકલ્પ લીધો હતો. આ પછી હવે રાજ્યભરના દરેક શહેર અને ગામડાઓમાં અમૃત કળશ યાત્રા યોજાઈ હતી. જેમાં ગુજરાતભરમાંથી અનેક અમૃત કળશ સાબરમતીના કિનારે આવી પહોંચ્યા છે. આ અમૃતકળશ લઈ ગુજરાતના યુવાનોનું એક ગ્રુપ દિલ્હી જશે જ્યાં આ અમૃત કળશથી એક વન બનાવવાનું આયોજન છે. આગામી 30 અને 31 ઓક્ટોબરે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમ દિલ્હીમાં યોજાશે. ગુજરાતમાંથી કુલ 308 જેટલા અમૃત કળશ દિલ્હી મોકલવામાં આવનાર છે.
આ કાર્યક્રમ ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણેથી આવી પહોંચેલા આ અમૃત કળશ ગુજરાતના યુવાનોના તે ગ્રુપને સોંપવાનો આ કાર્યક્રમ હતો જે આ અમૃત કળશ દિલ્હી લઈને જશે. આમ ગુજરાતે વધુ એકવખત દેશના વીરોને વંદન કરી તેમનું ઋણસ્વીકાર કરવામાં એક અગ્રણી ભૂમિકા ભજવી છે.