- દિવાળી પહેલા મોટી જાહેરાત
- લોકોને મળશે મોટી રાહત
- મુસાફરોને નહીં પડે હાલાકી
દિવાળીનો તહેવાર હવે આવવામાં છે, રાજ્યમાં ફરવાની અને વેકેશનની મોસમ જામશે. આ સમયે મુસાફરોને તકલીફ ન પડે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે એસટી દ્વારા 2200 બસો દોડાવવામાં આવશે.
દિવાળી પહેલા રાહત
મહત્વનું છે કે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવવામાં છે અને વેકેશન અથવા રજાઓ પડતા લોકો ફરવા નીકળશે, અન્ય રાજ્યોમાં જશે તેમજ ઘણાં કારીગરો અને વેપારીઓ પણ પોતાના વતનમાં જશે. આ દરમિયાન ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા ભાવમાં વધારો કરાતો હોય છે. જેનાથી ઘણાં સામાન્ય સ્થિતિ ધરાવતા લોકોને તકલીફ પડે છે. આ સ્થિતિને ધ્યાને લઈને દિવાળીમાં એસટી વિભાગ દ્વારા 2200 એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય મુસાફરો માટે એક અન્ય રાહતના સમાચાર એ પણ છે કે એસટી નિગમના કર્મચારીઓની પડતર માગણીઓને લઈને ચાલતી હડતાળનો પણ આજે અંત આવ્યો છે કેમકે સરકારે એસટી યુનિયનની માગણીઓને મહદઅંશે સ્વીકારી લીધી છે. આમ હવે એસટી બસો નિર્બાધપણે દોડી શકશે અને લોકોને પણ તહેવારોમાં રાહત થશે.
એસટી કર્મચારીઓની માગ સરકારે સ્વીકારી
ગુજરાત સરકારે ફિક્સ પે કર્મચારીઓ બાદ હવે એસટી કર્મચારીઓની દિવાળી પણ સુધારી દીધી છે. પોતાની પડતર માગોને આંદોલન કરી રહેલા એસટીના કર્મચારીઓની માગો રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે, જેને પગલે એસટી કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે. સરકાર સાથે ગઈકાલે મળેલી બેઠક પછી એરિયર્સ, મોંઘવારી ભથ્થાં અને HRAની એસટી કર્મચારીઓની માગ સરકારે સ્વીકારી લીધી છે. સરકારે આ અંગે લેખિતમાં ખાતરી આપી છે. ST યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે. આ મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા સરકાર પાસે મંજૂરી મગાશે. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર-જુનિયર પગારધોરણ સહિતની બાબતો પર ચર્ચા થશે. ST કર્મચારીઓને સુધારેલા HRA નવેમ્બરથી ચૂકવાશે.