- આણંદમાં હનીટ્રેપની ઘટના
- અમદાવાદના વેપારીને ફસાવાયો
- અંગતપળોનો વીડિયો શૂટ કરી પૈસાની માગણી કરાઈ
આણંદ કલેક્ટર ડીએસ ગઢવીના હનીટ્રેપ કાંડ બાદ વધુ એક હનીટ્રેપ કાંડ આણંદથી સામે આવ્યું છે. પરંતુ આ વખતે આ કાંડમાં ખુદ પોલીસ કર્મચારી જ આરોપી છે અને તેની સાથે અન્ય 3 સાગરિતોની પણ અટકાયત કરવામાં આવી છે.
લાગે છે કે આણંદમાં હનીટ્રેપની ઘટનાઓનું ષડયંત્ર વિકસતું જ જઈ રહ્યું છે. કલેક્ટર ગઢવીના હનીટ્રેપ કાંડ બાદ વધુ એક હનીટ્રેપનો કિસ્સો આણંદથી સામે આવ્યો છે. આ કાંડનો આરોપી એક પોલીસ કોન્સ્ટેબલ છે. જેણે અમદાવાદનાં શખ્સને હનીટ્રેપમાં ફસાવી રૂપિયાની માંગણી કરવાનું ષડયંત્ર ઘડી કાઢ્યું હતું અને એ પ્રમાણે તેનો અમલ પણ કર્યો હતો. મહત્વનું છે કે આ મામલે ભાલેજ પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી અને તપાસ કરી અંતે 1 કોન્સ્ટેબલ, 2 મહિલા સહિત 4 ની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે આ કાંડનો આરોપી કોન્સ્ટેબલ વિષ્ણુ ચૌહાણ આણંદ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે.
આ કાંડના માસ્ટર માઈન્ડ વિષ્ણુ ચૌહાણે અમદાવાદના એક વેપારીને ફોન પર વાતોચીતો કરી મળવા બોલાવવાનું કાવતરૂં ઘડ્યું હતું. જેમાં તે વેપારી ફસાઈ ગયો હતો અને આણંદ આવ્યો હતો. આ વેપારી સાથે યુવતીઓ મકાનમાં હાજર હતી, જે બધું પ્લાન્ડ હતું. આ પછી વેપારીની અંગતપળોનો વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો અને આમ તેને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી પોલીસ કાર્યવાહીથી બચવાના નામે રૂપિયાની માહિતી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે આણંદ જિલ્લામાં કલેક્ટર ગઢવીને ફસાવવા માટે રચવામાં આવેલા હનીટ્રેપ ષડયંત્રને હજી થોડાક જ મહિના થયા છે, તેવામાં આણંદમાં હનીટ્રેપનો વધુ એક કેસ સામે આવ્યો હતો. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઉમરેઠ તાલુકાના ભાલેજ પોલીસ મથકે હનીટ્રેપનો ગુનો નોંધાતા ભાલેજ પોલીસે 1 કોન્સ્ટેબલ બે મહિલા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે. જો કે હનીટ્રેપ કેસમાં પોલીસ જવાનની સંડોવણી બહાર આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.