- મોંઘવારીથી પીસાતી જનતાને રાહત આપવાના બદલે બોર્ડનો દાઝયા પર ડામ
- લાખો વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ આવશે અને બોર્ડ કરોડો રૂપિયાની કમાણી કરશે
- ધો.10માં નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ.355 હતી તેમાં રૂ.35નો વધારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પણ મોંઘવારી નડી હોય તેમ વાલીઓનો જરા પણ વિચાર કર્યા વગર પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો ઝીંક્યો છે. ધો.10, ધો.12 સાયન્સ અને કોમર્સની પરીક્ષામાં કેટેગરીવાઈઝ ફી વધારો કરવામાં આવ્યો છે. હાલમાં જનતા મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહી છે ત્યારે શિક્ષણ બોર્ડે પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની વૃત્તિથી ફીમાં વધારો ઝીંક્યો છે. પરિણામે લાખો વિદ્યાર્થીઓ પર આ વખતની પરીક્ષામાં આર્થિક બોજ આવી પડશે અને બોર્ડને કરોડો રૂપિયાની કમાણી થશે.
શિક્ષણ બોર્ડે ધો.10માં નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ.355 હતી તેમાં રૂ.35નો વધારો કરીને રૂ.390 કરી છે. ધો.10માં કુલ 13 કેટેગરી છે જેમાં લઘુત્તમ રૂ.15 થી માંડીને મહત્તમ રૂ.40 સુધીનો વધારો ઝીંકાયો છે. એકમાત્ર ખાનગી ઉમેદવાર નિયમિતની ફી રૂ.730 હતી તેમાં રૂ.340નો ઘટાડો કરીને રૂ.390 કરવામાં આવી છે. આ તમામ ફીમાં વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને ફીમાંથી મુક્તિ રહેશે. તેમજ લેઈટ ફીનો પણ સમાવેશ થતો નથી.
ધો.12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીની ફી રૂ.605 હતી તેમાં રૂ.60નો વધારો કરતા નવી ફી રૂ.665 થઈ છે. બોર્ડે રૂ.લઘુત્તમ રૂ.20 થી માંડીને મહત્તમ રૂ.60 સુધીનો વધારો ઝીંક્યો છે. ધો.12 સાયન્સમાં બોર્ડે ક્યાંય ઘટાડો કર્યો નથી. આ ફી ઉપરાંત પ્રાયોગિક વિષયની ફી વિષય દીઠ રૂ.120 રહેશે.
ધો.12 કોમર્સમાં નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ.490 હતી તેમાં રૂ.50નો વધારો કરીને નવી ફી રૂ.540 કરી છે. બોર્ડે કુલ 13 કેટેગરીમાં લઘુત્તમ રૂ.15 થી માંડીને મહત્તમ રૂ.50 સુધીનો વધારો ઝીંક્યો છે.