- સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે ગરમી અનુભવાશે
- રાત્રે લઘુતમ તાપમાન 20 થી 22 ડિગ્રી આસપાસ
- ડિસેમ્બરમાં ખરી ઠંડીનો થઈ શકે છે અહેસાસ
રાજ્યભરમાં વિવિધ સ્થાનો પર ઠંડી ચમકારો શરૂ થયો છે. જેમાં વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક અનુભવવામાં આવી રહી છે. જ્યારે કેટલાંક સ્થાનો પર બપોર દરમિયાન ગરમીનો પારો હજી પણ 32 થી 35 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. આ અસર હજી થોડાં દિવસો ચાલું રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
રાજ્ય હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ રાજ્યનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. દિવસનું તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. તેમજ ઉત્તર ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા બાદ ગુજરાતમાં ખરી ઠંડીનો અનુભવ થઈ શકે છે. જેના કારણે ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં ઠંડીનું જોર આગામી દિવસોમાં વધી શકે છે.
ઉત્તર ભારતના કેટલાંક ભાગોમાં હિમવર્ષાના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે. જ્યારે દક્ષિણના તમિલનાડુ અને કેરળમાં વરસાદી પ્રેશર જોવા મળી રહ્યું છે તેની પણ અસરના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી શકે છે. જ્યારે સમગ્ર રાજ્યમાં આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધશે.
આ ઉપરાંત રાજ્યમાં હાલમાં બેવડી ઋતુની અસર રહેશે. જેનું મુખ્ય કારણ ઓક્ટોબર અને નવેમ્બર મહિનાને ટ્રાન્ઝેશન સમય કહેવામાં આવે છે. જેમા રાતનું તાપમાન નીચું રહે છે અને સવારનું તાપમાન હાઇ રહે છે. ટ્રાન્જેસ્ટ મહિનો હોવાની અસર રહેલી છે. આના કારણે રાત્રે લઘુતમ તાપમાન 20 થી 22 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. જેમાં આગામી સપ્તાહમાં ઘટાડો જોવા મળી શકે છે.
ઉત્તર-પૂર્વ ચોમાસાની ગતિવિધિ થતા 28 ઓક્ટોબરથી વરસાદનો ફેલાવો અને તીવ્રતા વધશે અને 29 ઓક્ટોબરથી વધુ સ્પષ્ટ થશે. ઉત્તરપૂર્વ ચોમાસાનો પ્રથમ વિસ્ફોટ તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશમાં એક સાથે થશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાપમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે.