પ્રાચીન કાળમાં સૂર્યવંશમાં થઈ ગયેલા ભગવાન રામચંદ્રના પૂર્વજોમાં ત્રિશંકુ નામના રાજાને હરિશ્ચંદ્ર નામે શ્રેષ્ઠ પુત્ર હતો. પોતાના પિતાના મૃત્યુ પછી રાજાના સિંહાસન ઉપર બેઠેલા હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતું, તેથી તે અત્યંત દુ:ખી હતો.
સંતાનરહિત આ રાજાએ પુત્રની ઈચ્છાથી વરુણદેવને ઉદ્દેશીને નરમેઘ નામનો અત્યંત મુશ્કેલ એવો મહાયજ્ઞ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. યજ્ઞ કરવાના આ નિર્ણયથી વરુણદેવ રાજા ઉપર પ્રસન્ન થયા અને તેમની કૃપાથી રાજાની સૌંદર્યવતી રાણીએ ગર્ભ ધારણ કર્યો. રાજાએ આ ગર્ભના પણ સમયોચિત સંસ્કાર કર્યા. યથા સમયે રાણીએ સર્વાંગ સુંદર પુત્રને જન્મ આપ્યો અને રાજાએ અત્યંત આનંદપૂર્વક આ પુત્રના જાતકર્મ સંસ્કાર વગેરે કર્યા. પુત્રજન્મનો ઉત્સવ પૂરો થયો ત્યારે વરુણદેવ બ્રાહ્મણનો વેશ ધારણ કરી હરિશ્ચંદ્ર રાજાને ઘેર પધાર્યા. રાજાએ તેમની પૂજા-અર્ચના કરી તેમના આગમનનું પ્રયોજન પૂછ્યું ત્યારે વરુણદેવે રાજાને તેની પ્રતિજ્ઞાની યાદ અપાવી અને કહ્યું કે, `તારા પુત્રનો બલિ આપીને તું નરમેઘ યજ્ઞ કરીશ એમ તેં કહેલું તે મુજબ તેં હજી સુધી કર્યું નથી.’ વરુણદેવની આ વાત સાંભળીને રાજા અત્યંત ગભરાયો અને વરુણદેવને બે હાથ જોડી કહેવા લાગ્યો, `હે સ્વામી! હું મારી પ્રતિજ્ઞા અવશ્ય પૂર્ણ કરીશ. મારી પત્ની તેની પ્રસૂતિ પછી એક મહિને શુદ્ધ થશે. તેથી તે શુદ્ધ થશે કે તરત જ મેં નિર્ધારેલો પશુયજ્ઞ હું આરંભીશ.’
વરુણદેવ રાજાની વિનંતીનો સ્વીકાર કરી પોતાના લોકમાં ચાલ્યા ગયા. એક મહિનો પૂરો થવા છતાં પણ રાજાએ પ્રતિજ્ઞાબદ્ધ યજ્ઞ કરવાની કોઈ ચેષ્ટા બતાવી નહીં, તેથી વરુણદેવ ફરીથી બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજાને ત્યાં આવ્યા અને તેને નરમેઘ યજ્ઞ સત્વરે આરંભ કરવા આજ્ઞા કરી. આ આજ્ઞા સાંભળીને રાજાએ કહ્યું, `હે વરુણદેવ! મેં હજુ મારા બાળપુત્રના સંસ્કાર કર્યા નથી તેથી જ્યાં સુધી તેના સંસ્કાર ન થાય ત્યાં સુધી તે મારો પુત્ર ગણાય નહીં. આવા સંસ્કાર ન કરેલા પુત્રને હું પશુને બાંધવાના ખીલે કેવી રીતે બાંધું? માટે હે દેવ! મારી ઉપર દયા કરો. હું મારા આ પુત્રના સંસ્કાર કરીને તેને ક્ષત્રિય બનાવીશ અને પછી તરત જ મેં કરેલી પ્રતિજ્ઞા અનુસાર હું પશુયજ્ઞનો આરંભ કરીશ. જેના કોઈ સંસ્કાર કરવામાં આવેલ નથી એવો બાળક કોઈ પણ ધાર્મિક ક્રિયા માટે યોગ્ય ગણાતો નથી.’
આ સાંભળી વરુણદેવને ક્રોધ તો થયો, પરંતુ રાજાએ બતાવેલું કારણ પણ સાચું જ હતું, તેથી તેમણે રાજાને કહ્યું, `હે રાજા! તારું કહેલું સાંભળીને હું પાછો તો જાઉં છું, પરંતુ કેટલોક સમય રાહ જોઈ પાછો આવીશ. જો તું મારી પ્રતિજ્ઞા પ્રમાણે નરમેઘ યજ્ઞ નહીં કરે તો હું તને શાપ આપીશ.’
રાજાનો પુત્ર રોહિત હવે સારી રીતે મોટો થયો હતો. પિતા પોતાનો વધ કરીને નરમેઘ યજ્ઞ કરનાર છે એ જાણતાં જ ભયભીત થઈને પર્વતની ગુફામાં સંતાઈ ગયો. આ બાજુ ઘણો સમય વહી જવા છતાં રાજા હરિશ્ચંદ્ર નરમેઘ યજ્ઞ કરવાનો વિચાર સુધ્ધાં કરતા ન હોવાથી વરુણદેવ ફરીથી તેની પાસે આવ્યા અને રાજાને તેની પ્રતિજ્ઞા પ્રમાણે સત્વરે યજ્ઞ કરવા ચેતવણી આપી.
આ સાંભળી રાજાએ વરુણદેવને કહ્યું, `મારો પુત્ર ક્યાંક જતો રહ્યો છે અને મને મળે નહીં ત્યાં સુધી હું શી રીતે યજ્ઞ કરું?’ આ સાંભળીને વરુણદેવ કોપાયમાન થયા અને રાજાને શાપ આપ્યો કે, `હે રાજા! તારા દેહમાં જલોદરનો રોગ થાવ, કારણ કે તેં મને છેતર્યો છે.’ વરુણદેવ રાજાને આવો શાપ આપીને પોતાના લોકમાં ગયા અને રાજા હરિશ્ચંદ્ર જલોદરના રોગથી પીડાતો રહ્યો. ગુફામાં રહેતા રાજકુમારને કોઈક મુસાફર મારફત આ વાતની ખબર પડી. રાજકુમાર રોહિત પોતાના દુ:ખી પિતાને મળવા ઉત્સુક બન્યો. આ સમયે ઈન્દ્રદેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેની પાસે આવ્યા અને કહ્યું, `હે રાજપુત્ર! તું તો મૂર્ખ છે. તું પોતે તારા પિતાને પીડાતો હોવાનું જાણતો નથી. તેં તો માત્ર મુસાફરની વાત જ સાંભળી છે. આથી હમણાં તારે ત્યાં જવું જોઈએ નહીં. તારા પિતાએ પોતાના પુત્રને પશુ કરીને નરમેઘ યજ્ઞ કરવાની જે પ્રતિજ્ઞા કરી છે તે બરાબર નથી. જો તું અત્યારે તારા પિતાને મળવા જઈશ તો તે તને પશુ બનાવીને ખીલે બાંધી મારી નાંખશે.’ ઈન્દ્રદેવની આવી સલાહથી રોહિતે પિતાને મળવા જવાનો વિચાર માંડી વાળ્યો.
રાજ હરિશ્ચંદ્ર હવે જલોદરના રોગની પીડાથી બહુ જ અકળાયો હતો. તેથી તેણે વશિષ્ઠ ગુરુને આનો ઉપાય પૂછ્યો. મહર્ષિ વશિષ્ઠે રાજાને કહ્યું કે, `ધર્મશાસ્ત્ર અનુસાર પુત્ર તેર પ્રકારના હોય છે. તેથી જો તને તારો પોતાનો પુત્ર ન મળે તો કોઈનો પુત્ર તું લઈ શકે અને તે પુત્ર વડે તું નરમેઘ યજ્ઞ કરીને શાપમુક્ત થઈ શકે.’ વશિષ્ઠ ગુરુનાં આ વચન સાંભળી રાજાએ પોતાના પ્રધાનને જો કોઈ પિતા તેનો પુત્ર વેચાતો આપે તો તેને મનમાગ્યું ધન આપીને તેનો પુત્ર ખરીદી લેવા આજ્ઞા કરી. પ્રધાને રાજાની આજ્ઞાથી કોઈ પિતા તેનો પુત્ર વેચવા ઈચ્છતો હોય તો તરત જ રાજા સમક્ષ હાજર થવા ઢંઢેરો પિટાવ્યો. આથી અજીગર્ત નામનો એક અત્યંત ગરીબ બ્રાહ્મણ તેના ત્રણ પુત્રોમાંથી વચલા પુત્ર શુન:શેપને વેચવા આગળ આવ્યો.
રાજાએ આ પુત્ર તરત જ ખરીદી લીધો અને નરમેઘ યજ્ઞ કરવા ઝડપથી તૈયારીઓ શરૂ કરી દીધી. આમ, યજ્ઞની શરૂઆત થઈ. યજ્ઞવિધિમાં આવેલા મહામુનિ વિશ્વામિત્રે રાજા હરિશ્ચંદ્રને કહ્યું, `હે રાજન! તું આવું સાહસ ન કર. આ બ્રાહ્મણપુત્રને છોડી દે. તે મરવાની બીકે ચીસો પાડે છે અને આક્રંદ કરી રહ્યો છે. તારો રોગ હવે મટી જશે. મારું વચન માન. પૂર્વે તો સ્વર્ગની ઈચ્છા રાખનારા રાજાઓ બીજાને માટે પોતાનો દેહ આપી દેતા, જ્યારે આજે તો તું તારા જીવન માટે એક બ્રાહ્મણપુત્રનો જીવ લઈ રહ્યો છે. મારું કહેવું માનીને તું આ બ્રાહ્મણ બાળકને મુક્ત કર.’ જીવવા માટે અત્યંત આતુર એવા રાજાએ મહામુનિ વિશ્વામિત્રની વાત માની નહીં, તેથી મહર્ષિ વિશ્વામિત્રે રાજા ઉપર ગુસ્સે થઈ બ્રાહ્મણપુત્ર શુન:શેપને વરુણમંત્રનો ઉપદેશ કર્યો. આ મંત્રનું સતત રટણ કરવાથી વરુણદેવ શુન:શેપ ઉપર પ્રસન્ન થયા અને તેને રાજાના બંધનમાંથી મુક્ત કર્યો. વરુણદેવે રાજાને પણ રોગમુક્ત કર્યો અને પછી પોતાના લોકમાં ચાલ્યા ગયા.


