જાપાઠમાં જે રીતે ફળ, ફૂલ, નૈવેદ્ય, કંકુ, ચોખા, ઘી, ગોળ, પંચામૃત, ચંદન, દીપ, હવન, કપૂર, શંખ વગેરેનું મહત્ત્વ છે એવી જ રીતે ધૂપનું પણ વિશેષ મહત્ત્વ છે.
ધૂપની સુગંધ તીવ્ર હોય છે. આ સુગંધથી વિશિષ્ટ દેવતાનું તત્ત્વ કાર્યરત થઈને તે ધૂપના ધુમાડાના માધ્યમથી સૂક્ષ્મ-શસ્ત્રો બનીને વાતાવરણમાં રજ-તમસ તત્ત્વો સામે લડે છે, જેનાથી વાતાવરણમાં સત્ત્વ ગુણની પ્રબળતા વધી જાય છે. આ રીતે વાતાવરણ તથા વાસ્તુની શુદ્ધિ થાય છે. આ જ હેતુથી પૂજા-આરતી કરતા પહેલાં ધૂપ કરવાની પરંપરા આપણે ત્યાં જોવા મળે છે.
દેવી-દેવતાઓની પૂજા ધૂપ, અગરબત્તીના ઉપયોગ વિના અધૂરી ગણવામાં આવે છે. વિશ્વના કેટલાય એવા ધર્મો છે જેમાં ધૂપનો ઉપયોગ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. તંત્રાસાર મુજબ ધૂપના સોળ જેટલા પ્રકાર છે. જેમ કે, અગર, તગર, કુષ્ઠ, શૈલજ, શર્કરા, નાગરમાથા, ચંદન, એલાયચી, તજ, નખનખી, મુશીર, જટામાસી, કપૂર, તાલી, સદલન, ગૂગળ વગેરે. આ પ્રકારના ધૂપને `ષોળશાંગ ધૂપ’ કહેવામાં આવે છે.
મદરત્ન અનુસાર ચંદન, કુષ્ઠ, નખલ, રાલ, ગોળ, શર્કરા, નખગંધ, જટામાસી, લઘુ અને ક્ષૌદ્રને સરખા ભાગમાં ભેળવીને સળગાવવામાં આવે તો શ્રેષ્ઠ ધૂપ થાય છે. આ પ્રકારના ધૂપને `દશાંગ ધૂપ’ કહેવામાં આવે છે. આ સિવાય અન્ય પ્રકારના પણ ધૂપ કરવામાં આવે છે જેમાં છ ભાગ કુષ્ઠ, બે ભાગ ગોળ, ત્રણ ભાગ લાક્ષા, પાંચ ભાગ નખલા, હરીતકી, રાલ, એક ભાગ દપૈ, નાગરમાથા ચાર ભાગ, ગૂગળ એક ભાગ લેવાથી ઉત્તમ ધૂપ બને છે.
ધૂપ કેવી રીતે આપવો?
હિન્દુ ધર્મમાં પૂજાપાઠ અને દીપ પ્રગટાવવાની સાથે સાથે ધૂપનું પણ વિશેષ મહત્ત્વ છે. સામાન્ય રીતે ધૂપ બે રીતે અપાય છે. એક ગૂગળ-કપૂર દ્વારા અને બીજો ગોળ તથા ઘી દ્વારા સળગતા અંગારા ઉપર મૂકીને. ધૂપ આપવા અંગે એવી માન્યતા છે કે જો ધૂપ દેવી-દેવતાઓને આપવાનો હોય તો આંગળીઓ દ્વારા અને પિતૃઓને આપવાનો હોય તો અંગૂઠા દ્વારા આપવો જોઈએ. જ્યારે દેવતાઓને ધૂપ આપતા હો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું ધ્યાન કરવું જોઈએ અને પિતૃઓને ધૂપ આપતા હો ત્યારે બધા જ પિતૃઓનું ધ્યાન કરી સુખ-શાંતિની પ્રાર્થના કરવી જોઈએ.
ધૂપ આપવાની વિધિ
ઘરમાં ધૂપ કરવાથી સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે. ગામમાં હવન હોય કે ઉજાણી હોય કે પછી કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ધૂપ કરવામાં આવે છે. મોટાભાગના લોકો ધૂપ કેવી રીતે આપવો તે જાણે છે. છતાંય વિધિવત્ રીતે ધૂપ કેવી રીતે આપવો તે જાણીએ. ગોળ અને ઘી વડે આપવામાં આવેલા ધૂપનું વિશેષ મહત્ત્વ છે. ગોળ અને ઘીનો ધૂપ કરવામાં એક છાણું સળગાવી લો. જ્યારે તેમાંથી અંગારા નીકળવાના બંધ થઈ જાય ત્યારે તેમાં ગોળ અને ઘી સરખા પ્રમાણમાં ભેળવીને અંગારા ઉપર મૂકી તેની આજુબાજુ આંગળીથી પાણી સમર્પિત કરો.
ધૂપ આપવાના લાભ
ધૂપ આપવાથી ઘરમાં સુખ-શાંતિની સ્થપાય છે.
રોગ અને શોક દૂર થાય છે.
ઘરમાં ક્લેશ અને આકસ્મિક દુર્ઘટનાઓથી રક્ષણ થાય છે.
ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. ઘરના વાસ્તુદોષ દૂર થાય છે.
ગ્રહો-નક્ષત્રો દ્વારા થતી તમામ તકલીફો દૂર થાય છે.
શ્રાદ્ધ પક્ષમાં સોળ દિવસ સુધી ધૂપ આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમને મુક્તિ મળે છે તેમજ પિતૃદોષનું સમાધાન થઈ પિતૃયજ્ઞ પૂર્ણ થાય છે.
ધૂપ આપવાના નિયમો
કોઈ પણ કાર્ય જો નીતિનિયમ દ્વારા કરવામાં આવે તો જ તેનું સાચું ફળ પ્રાપ્ત થાય છે. પછી તે પૂજાપાઠ જ કેમ ન હોય. હિંદુ ધર્મમાં ધૂપ-દીપ આપવાના પણ નિયમો બતાવવામાં આવ્યા છે. જો તમે દરરોજ ધૂપ ન આપી શકતા હો તો તેરસ, ચૌદશ, અમાસ અને પૂનમના રોજ સવાર-સાંજ ધૂપ ચોક્કસપણે આપવો જોઈએ. સવારે અપાતો ધૂપ દેવતાઓ માટે અને સાંજે અપાતો ધૂપ પિતૃઓ માટે હોય છે તેમજ ધૂપ આપતા પહેલાં ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. પવિત્ર તન-મન સાથે ઈશાન ખૂણામાં જ ધૂપ આપવો જોઈએ. આ સિવાય ઘરના દરેક રૂમમાં ધૂપ આપવો જોઈએ અને ધૂપની અસર અથવા સુગંધ જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સંગીત ન વગાડવું જોઈએ.


