પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ (પાંડુરંગ વિઠ્ઠલપંત વળામે) ગુજરાતના નર્મદા કિનારે આવેલું નારેશ્વર ધામ સ્થાપનાર એક મહાન સંત-કવિ અને અવધૂત હતા. તેમણે `પરસ્પર દેવો ભવઃ’ જેવું મહાન સૂત્ર આપ્યું છે. જેનો અર્થ છે – દરેકમાં દૈવીશક્તિને પિછાણો, ખરાબ વૃત્તિ પ્રત્યે દુર્લક્ષ્ય રાખવું અને સારી વૃત્તિને અપનાવવી.
જીવન ઝલક અને આધ્યાત્મિક યાત્રા
શ્રી રંગ અવધૂતજીનો જન્મ 21 નવેમ્બર, 1898ના રોજ ગુજરાતના ગોધરા ખાતે એક મરાઠી દંપતી વિઠ્ઠલપંત અને રુક્મિણી (કાશીબહેન)ને ત્યાં થયો હતો. બાળપણથી જ તેઓ ધાર્મિક અને દૈવી વૃત્તિ ધરાવતા હતા. નાની ઉંમરે જ તેમણે પિતાના મુખેથી `રામ નામ’નું સ્મરણ કરવાની દીક્ષા પ્રાપ્ત થઈ હતી.
શિક્ષણ અને રાષ્ટ્રીય ભાવના : તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા અને મેટ્રિક પછી ગુજરાત વિદ્યાપીઠ અને વડોદરા કૉલેજમાં અભ્યાસ કર્યો. 1920માં મહાત્મા ગાંધીની પ્રેરણાથી અભ્યાસ છોડી દીધો અને અસહકારની ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો. તેમણે દાંડીકૂચની યાત્રામાં ભાગ લીધો હતો. અમદાવાદમાં શિક્ષક તરીકે પણ સેવા આપી હતી. 1923માં આંતરિક આધ્યાત્મિક ખેંચાણને કારણે તેમણે નોકરી છોડી, સાધુ જીવન સ્વીકાર્યું અને આજીવન બ્રહ્મચારી રહ્યા. તેઓ દત્તાત્રેય સંપ્રદાય (દત્ત પંથ) સાથે જોડાયેલા હતા અને તેમના આધ્યાત્મિક ગુરુ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી (ટેંબે સ્વામી) હતા.
નારેશ્વર અને નર્મદા મહિમા
શ્રી રંગ અવધૂતજીએ ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલા સાત ગામની સ્મશાનભૂમિ એવા નારેશ્વરને પોતાની સાધના ભૂમિ બનાવી. ઈ.સ 1925થી 1968 સુધી તેમણે અહીં જ રહીને તપ અને ચિંતન કર્યું. તેમણે ઈ.સ. 192૭માં 108 દિવસમાં નર્મદા પરિક્રમા પગપાળા પૂર્ણ કરી હતી, જે નર્મદા પ્રત્યેની તેમની અખંડ ભક્તિ દર્શાવે છે. તેમનો આશ્રમ દત્તકુટિર આજે કોટિ ભક્તો માટે શાંતિ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.
સાહિત્યિક યોગદાન અને ઉપદેશ
તેઓ ગુજરતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન હતા. 45થી વધુ ગ્રંથોની રચના કરીને તેમણે ભક્તિ, વેદાંત અને અદ્વૈતવાદનો પ્રચાર કર્યો. તેમની સૌથી લોકપ્રિય રચના `શ્રી દત્ત બાવની’ છે, જે આજે પણ લાખો ભક્તો દ્વારા નિયમિતપણે ગવાય છે. આ રચનાએ ગુજરાતમાં દત્ત ભક્તિનો માર્ગ સરળ અને વેગવંતો બનાવ્યો. તેઓ માત્ર સંત નહોતા, પરંતુ સમાજસેવી પણ હતા. તેઓ મુમુક્ષુઓને પવિત્ર જીવન જીવવા માટે બોધ આપતા અને સાંસારિક પીડાઓથી મુક્ત થવા માટે `દવા અને દુઆ’ (ચિકિત્સા અને આશીર્વાદ) આપતા હતા.
પુણ્યતિથિનું મહત્ત્વ
શ્રી રંગ અવધૂતજી 19 નવેમ્બર, 1968 (કારતક વદ અમાસ, વિ.સં. 2025)ના રોજ હરિદ્વાર ખાતે બ્રહ્મલીન થયા. તેમના પાર્થિવ દેહને નારેશ્વર લાવવામાં આવ્યો હતો અને 21 નવેમ્બરે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમની પુણ્યતિથિનો દિવસ તેમના અનુયાયીઓ માટે `અવધૂત જયંતી’ (જન્મદિવસ) અને `પુણ્યતિથિ પર્વ’ બંનેના સ્મરણનો અવસર બની રહે છે. આ દિવસે નારેશ્વર સહિત દેશભરના આશ્રમો અને દત્ત મંદિરોમાં દત્ત યાગ, અખંડ ધૂન, ભજન-સત્સંગ અને દત્ત બાવનીના પાઠનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ ભક્તોને સાદગી, નિષ્કામ કર્મ અને દત્ત ભક્તિના માર્ગ પર ચાલવાની તેમની શીખનું સ્મરણ કરાવે છે.


