અસ્તિત્વમાં તમે ગમે તેની ખોજ કરો, જો તમે તેની પૂરતી નિયમિતતા સાથે ખોજ કરો, પૂરતા લાંબા સમય સુધી કે જો તમે કોઈ વસ્તુની તેના અંત સુધી ખોજ કરો, તો તમે હંમેશાં જોશો કે જેને આપણે દિવ્યતા કહીએ છીએ તે અંતિમ છેડો છે.
ભલે તમે જેમાં પણ જુઓ, તે આકાશ હોય, એક ફૂલ હોય, એક માણસનો ચહેરો હોય, એક પ્રાણી હોય કે રેતીનો એક કણ હોય, તમને સમજાશે કે પાંચેય ઇન્દ્રિયોનો બોધ બસ અંદરના પડદા પર જ થાય છે. જો તમે ચિત્રમાંથી ઊંડે ઊતરીને પડદાને સ્પર્શ કરો, તો તમે તમારી પોતાની આંતરિકતા સિવાય બીજું કશું જોવા માટે અસમર્થ છો અને તે જ દિવ્યતા છે. વાસ્તવમાં દુનિયામાં બે પ્રકારના ધર્મો છે. જ્યારે તમે `ભગવાન’ શબ્દ બોલો છો, ત્યારે ઘણા બધા લોકો ઉપર જુએ છે – `ઉપરવાળા’, પણ કેટલાક ધર્મોમાં ભગવાન એટલે તેઓ નીચે જુએ છે, કેમ કે તેઓ માને છે કે ભગવાન પૃથ્વીના કેન્દ્રમાં છે. જેઓ માને છે કે ભગવાન આ ગ્રહમાં છુપાયેલા છે. તેઓ થોડું વધારે નરમાશથી ચાલે છે, ઓછામાં ઓછી ખલેલ પહોંચાડે છે, કેમ કે આ ગ્રહ તેમના દેવોનું નિવાસસ્થાન છે, તેઓ તેને નુકસાન પહોંચાડવા માગતા નથી, પણ તેઓ વિચારે છે કે ભગવાન ઉપર છે, તેઓ બેફામ રીતે ચાલે છે. તેઓ જે દરેક પગલું લે છે તે ગ્રહને નુકસાન કરે છે, કેમ કે તેઓ તેને બાળીને સ્વર્ગમાં જવા માગે છે. એક માણસ તેની પોતાની ચેતનામાં જે પ્રતિબિંબિત થાય છે તે સિવાય બીજું કશું જાણવા માટે સક્ષમ નથી. તમે બસ તે જ જોઈ શકો છો જે તમારા મનના પડદા પર થાય છે, તમે બસ તે જ સાંભળી શકો છો જે તમારા મનમાં થાય છે. તો બસ એક જ જગ્યા છે. તે એને સરળ બનાવે છે.
જો તમારી સામે લાખો જગ્યાઓ હોત અને તમને પસંદ કરવાનું કહેવામાં આવત, તો ખાલી નિર્ણય લેવો એ જ ખૂબ મુશ્કેલ બની શકત. દિવ્યતા ટિફિન જેવી છે. તમારે તે પીરસાય તે માટે સ્વર્ગમાં જવું નથી પડતું, તમારા અસ્તિત્વનો પરમ સ્વભાવ હંમેશાં તમારી સાથે હોય છે. બસ એટલું જ કે તમારા અંદરના પડદા પર ગમે તે છબીઓ આવે, જો તમે તેમાંથી કોઈ એકની પૂરતી મજબૂત રીતે ખોજ કરો, તો તમે અંતિમ છેડાને સ્પર્શ કરશો અને દિવ્યતા હંમેશાં અંતિમ છેડો છે.
એક જ્ઞાની યહૂદી ધર્મગુરુ હતા. એક યુવાન તેમની પાસે આવ્યો અને કહ્યું, `રબાઈ, મને સમજાતું નથી કે શું કરવું? હું તમે શીખવેલી બધી વસ્તુઓ કરવાનો પ્રયાસ કરું છું, પણ મારાથી તે નથી થતું, દરરોજ હું ફક્ત પાપ જ કરતો રહું છું.’
રબાઈએ તેની તરફ જોયું અને કહ્યું, `તીવ્રતાથી પાપ કર.’ તમે ગમે તે કરી રહ્યા હોવ, ગમે તે થઈ રહ્યું હોય, જો તમે તે પૂરતી તીવ્રતાથી કરો, તો તમે અંતિમ છેડાએ પહોંચી જશો. આ અસ્થિર અભિગમ જ સમસ્યા છે. સમસ્યા એ છે કે તમે જગલ કરવા માગો છો. ઉદાહરણ તરીકે, ગુસ્સો એક કુરૂપ વસ્તુ છે. પુરુષ કે સ્ત્રી જ્યારે ગુસ્સે હોય ત્યારે સૌથી વધુ કુરૂપ લાગે છે, પણ જો તમે 24 કલાક તીવ્ર ગુસ્સો જાળવી રાખો, તો તમે આત્મજ્ઞાન પામશો. 24 કલાક ગુસ્સે રહેવા માટે તમને અસાધારણ માત્રામાં ઊર્જાની જરૂર છે. તમે 24 કલાક પ્રેમમાં રહી શકો છો, પણ તમે 24 કલાક ગુસ્સે રહી શકતા નથી, તે તમને બાળી નાખે છે. તો તીવ્રતા અને ધ્યાનનો અભાવ જ સમસ્યા છે, દિશા નહીં.


