પાંડવોએ બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ પૂરો થતાં જ્યારે પ્રતિજ્ઞા મુજબ પોતાનું અડધું રાજ્ય માંગ્યું ત્યારે દુર્યોધને અડધું રાજ્ય તો શું સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનું સ્વીકાર્યું નહીં.
આથી પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરવાનું નિશ્ચિત થઇ ગયું. બંને પક્ષે યુદ્ધની તૈયારી થવા લાગી. મહર્ષિ વેદવ્યાસે ધૃતરાષ્ટ પાસે આવીને કહ્યું કે યુદ્ધ થવું અને તેમાં સંહાર થવો અનિવાર્ય છે. એને કોઇ ટાળી શકવાનું નથી. જો યુદ્ધ જોવાની તમારી ઇચ્છા હોય તો હું તમને દિવ્ય દૃષ્ટિ આપી શકું છું, જેનાથી તમે અહીં બેઠાં બેઠાં યુદ્ધને સારી રીતે જોઇ શકશો. તે સમયે ધૃતરાષ્ટે કહ્યું કે હું જન્મભર આંધળો રહ્યો. હવે મારા કુળના સંહારને હું જોવા માંગતો નથી, પરંતુ યુદ્ધ કેવી રીતે થઇ રહ્યું છે એ સમાચાર સાંભળવાની ઇચ્છા જરૂર છે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે હું સંજયને દિવ્યદૃષ્ટિ આપું છું. તેનાથી એ સમગ્ર યુદ્ધને, બધી જ ઘટનાઓને અને સૈનિકોના મનમાં આવેલા વિચારોને પણ જાણી લેશે અને બધી વાતો તમને સંભળાવી દેશે. આમ કહીને વ્યાસજીએ સંજયને દિવ્યદૃષ્ટિ આપી.
સંજયનો જન્મ ગવલ્ગણ નામના સૂતથી થયો હતો. તેઓ મુનિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા. તેઓ ધૃતરાષ્ટના મંત્રી હતા. નક્કી કરેલા સમય પ્રમાણે કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયું. દસ દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે જ રહ્યા. જ્યારે ભીષ્મ પિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા ત્યારે સંજયે હસ્તિનાપુરમાં જ્યાં ધૃતરાષ્ટ બેઠેલા હતા ત્યાં આવીને આ સમાચાર સંભળાવ્યા. આ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટને ભારે દુઃખ થયું અને તેઓ વિલાપ કરવા લાગ્યા. પછી તેમણે સંજયને યુદ્ધનો પૂરો વૃત્તાંત સંભળાવવા કહ્યું.ભીષ્મ પર્વના ચોવીસમા અધ્યાય સુધી સંજયે યુદ્ધ સંબંધી વાતો ધૃતરાષ્ટને સંભળાવી. મહાભારતમાં કુલ અઢાર પર્વ છે એ પર્વોમાં કેટલાક પેટા પર્વો પણ છે. એમાંથી ભીષ્મ પર્વની અંદર આ શ્રીમદ્ ભગવદ્ગીતા પર્વ છે, જે ભીષ્મ પર્વના તેરમા અધ્યાયથી શરૂ થઇ બેતાલીસમા અધ્યાયમાં પૂર્ણ થાય છે. પચ્ચીસમા અધ્યાયના આરંભમાં ધૃતરાષ્ટ સંજયને પૂછે છે કે, ધૃતરાષ્ટ્ર ઉવાચ,
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ
મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય
હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઇચ્છુક મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્ય હોવાથી તથા કુરુરાજાની તપસ્યા ભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે. સંસારમાં મોટાભાગે ત્રણ બાબતોના કારણે લડાઇ થાય છે. જમીન-ધન અને સ્ત્રી. ગીતાનો આરંભ ધર્મ શબ્દથી થયો છે, કેમ કે ગીતા ધર્મની અંતર્ગત છે એટલે કે ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતોનું પાલન થઇ જાય છે અને ગીતાના સિદ્ધાંતો અનુસાર કર્તવ્ય કર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઇ જાય છે. કોઇ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મની દૃષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઇએ.
ધૃતરાષ્ટને પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાનભાવ નહોતો, એમનામાં પક્ષપાત હતો. પોતાના પુત્રોમાં મોહ હતો. પાંડવોને પોતાના માનતા નહોતા, તેથી પોતાના પુત્રો માટે મામકાઃ અને પાંડુપુત્રો માટે પાંડવાઃ શબ્દ પ્રયોગ કર્યો છે. જે ભાવો હૈયામાં હોય છે તે જ ઘણું કરીને વાણીથી બહાર નીકળે છે. આ ભેદભાવના કારણે જ ધૃતરાષ્ટને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું હતું.


