ભારતમાં જ્યારે કોઈ વ્યક્તિ માતા-પિતા, વડીલો, ગુરુજનો અને સંત-સાધુઓને નમીને તેમના ચરણસ્પર્શ કરે છે, ત્યારે તેઓ આપણા માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે. આપણે જ્યારે વડીલોને મળીએ ત્યારે, દરરોજ અને કોઈ નવ કાર્યના આરંભે, જન્મદિવસે, ઉત્સવદિને એમ અનેક મહત્ત્વના પ્રસંગે તેમની ચરણવંદના કરીએ છીએ. કેટલાંક સામાજિક વર્તુળો-જૂથોમાં ચરણવંદના પછી અભિવાદન કરવામાં આવે છે અને પરસ્પરનો પારિવારિક પરિચય કરાવવામાં આવે છે.
દંડવત્ કરીને ચરણસ્પર્શ કરવા એ વડીલોની વય, પ્રોઢત્વ, ખાનદાની, ચારિત્ર્ય અને દેવત્વનો આદર કરવાનું પ્રતીક છે. તેમણે આપણા માટે આપેલો ભોગ, લીધેલી કાળજી અને સ્વાર્થરહિત પ્રેમની ઓળખ આપણને છે, તેવું સૂચવે છે. અન્યની મહાનતાને નમ્રતાપૂર્વક સ્વીકારવાની એ રીત છે. આ રિવાજમાં મજબૂત કૌટુંબિક સંબંધોનું પ્રતિબિંબ પડે છે.
આવા કૌટુંબિક સંબંધો એ ભારતીય સંસ્કૃતિની શાશ્વતશક્તિ છે.
હિન્દુસ્તાનમાં વડીલોના આશીર્વાદ અને શુભ સંકલ્પનું બહુ ઊંચું મૂલ્ય અંકાય છે. આપણે વડીલોના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદની કામના કરીએ છીએ. પ્રેમ, શીલ અને દિવ્યતાથી પરિપૂર્ણ એવા એમના અંતરમાંથી મળતા આશીર્વાદમાં પ્રબળ શક્તિ હોય છે. આપણે નમ્રપણે અને સન્માનપૂર્વક ચરણસ્પર્શ કરીએ છીએ ત્યારે વડીલોની શુભાશિષનું આવાહન કરીએ છીએ અને આવી શુભાશિષ એક કલ્યાણકારી શક્તિ સ્વરૂપે આપણી રક્ષા કરે છે, તેથી પ્રણામ કરતી વખતે ઊભેલી કે ઝૂકેલી સ્થિતિમાં સ્થિર રહીએ ત્યારે આપણું સમગ્ર શરીર આશીર્વાદ દ્વારા વહેતી કલ્યાણકારી શક્તિને ગ્રહણ કરી શકે છે.
સન્માન દર્શાવવાની વિવિધ પદ્ધતિઓ
પ્રત્યુત્થાન : આગંતુકને આવકારવા ઊભા થવું.
નમસ્કાર : બે હાથ જોડીને, નમસ્તે કરીને સન્માન કરવું.
ઉપસંગ્રહણ : વડીલો કે ગુરુજનોના ચરણસ્પર્શ કરવા.
સાષ્ટાંગ : પગની પાની, ઘૂંટણ, છાતી, માથું અને હાથ એમ સમગ્ર શરીર વડીલના પગ પાસે દંડવત્ સ્થિતિમાં જમીન પર મૂકીને પ્રણામ કરવા.
પ્રત્યભિવાદન : સ્વાગત-અભિવાદનનો પ્રતિભાવ આપવો.
કોણે કોની ચરણવંદના કરવી એ બાબતે આપણાં શાસ્ત્રોમાં નિયમો છે. સંપત્તિ, ગોત્ર, વય, નૈતિક શક્તિ અને આધ્યાત્મિક જ્ઞાન – આ બાબતો યથાક્રમે સન્માન પામવાની લાયકાત દર્શાવે છે. આ જ કારણથી દેશનો શાસક હોવા છતાં રાજા આધ્યાત્મિક ગુરુની ચરણવંદના કરે છે. રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં આ બાબતનાં ઘણાં પ્રમાણ મળી રહે છે. આ પરંપરાથી લોકોમાં પરસ્પર પ્રેમ અને આદરનું વાતાવરણ સર્જાય છે. કુટુંબ તથા સમાજમાં સંપ અને સુમેળ જળવાઈ રહે છે.


