- નારણપુરાના પંચનિધિ એપાર્ટમેન્ટના પાંચમા માળે એક ઘરમાં આગ
- ધુમાડાના ગોટેગોટા વચ્ચે પરિવારને નીચે ઉતાર્યા બાદ પ્રામાણિક કાર્યવાહી
- ઘરમાં રહેલ ફર્નિચર અને ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ ગયુ હતુ
નારણપુરામાં આવેલ વિઠ્ઠલ પટેલ કોલોનીમાં પંચનિધિ એપાર્ટમેન્ટમાં પાંચમા માળે બ્લોક એ-12માં શુક્રવારે રાત્રે 8 વાગ્યે અચાનક આગ લાગતા અફ્રાતફ્રી મચી જવા પામી હતી. જેમાં ફાયરબ્રિગ્રેડને ફોન કરતા ફાયરની બે ગાડીઓએ ઘટનાસ્થળે પહોચીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે ઘરમાં ફર્નિચર વધારે હોવાથી ઘુમાડાના ગોટેગોટા જોવા મળતા સુરક્ષાના ભાગરૂપે આસપાસના બ્લોકમાં રહેતા લોકોને નીચે ઉતરી જવા માટે ફાયરબ્રિગ્રેડે જણાવ્યુ હતુ. જો કે આગની ઘટનામાં ઘર બળીને ખાખ થઇ ગયુ હતુ. પરંતુ કોઇ જાનહાનિ સામે આવી નથી. મહત્વનું છે કે ઘરમાં રહેલ 80 તોલા સોનાના ઘરેણા ફાયરબ્રિગ્રેડે સહીસલામત બહાર કાઢીને ઘરના માલિકને પરત સોંપ્યા હતા.
નારણપુરામાં આવેલ પંચનિધિ એપાર્ટમેન્ટમાં એ-12માં પવનભાઇ શર્મા પરિવાર સાથે રહે છે. જેમાં ગત શુક્રવારે સાંજે 7.30 વાગ્યે તેઓ ઘરના મંદિરમાં દીવાબત્તી કરીને જમવા માટે નીચે ગયા હતા. ત્યારે ઘરમાં અચાનક આગ લાગતા તેઓ દોડીને આવીને પાણીનો મારો ચલાવ્યો હતો. તેમજ ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની બે ગાડીઓએ ઘટનાસ્થળે પહોચીને ધુમાડા વધારે હોવાથી સુરક્ષાના ભાગરૂપે લોકોને નીચે ઉતરી જવા જણાવ્યુ હતુ. જે બાદ પાણીનો મારો ચલાવીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે ઘરમાં રહેલ ફર્નિચર અને ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ ગયુ હતુ. પરંતુ ફાયરબ્રિગ્રેડે ઘરમાં રહેલ 80 તોલા સોનાના ઘરેણા સહીસલામત કાઢીને માલિકને પોલીસની હાજરીમાં પરત કર્યા હતા. મહત્વનું છે કે મંદિરમાં કરેલ દીવાની વાટ ઉંદર ખેંચીને લઇ જતા આગ લાગી હોવાનું મકાન માલિકે જણાવ્યુ હતુ.