કાલોલ તાલુકાના વ્યાસડા ગામના બે અગ્નિવીર જવાનો તાલીમ પૂર્ણ કરીને વતનમાં પરત ફરતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાલોલ તાલુકાના વ્યાસડા ગામના બે અગ્નિવીર સેનાનીઓ ગણેશસિંહ સુરેશસિંહ ઠાકોર અને વિવેકસિંહ રાજેન્દ્રસિંહ ઠાકોર બન્ને યુવાનોએ અગ્નિવીરમાં ભરતી થઇને સેનાની પ્રારંભિક તાલીમ માટે સિકંદરાબાદ અને પહોંચ્યા હતા. જ્યાંથી બન્ને જવાનોએ આઠ મહિનાની તાલીમ પૂર્ણ કરીને મંગળવારે વતનમાં ફરતા વેજલપુર બસ સ્ટેશનમાં કાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ફ્તેસિંહ ચૌહાણ, કાલોલ ભાજપના મંડળ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર સહિતના નેતાઓએ બન્ને જવાનોનું પરિવારજનો અને મિત્રોએ તિરંગાના રંગે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે વેજલપુરના ઘરમાં ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતો પર પરફેર્મન્સ કરીને દેશભાવનાનું અભિવાદન કર્યું હતું. આઠ મહિનાઓથી પરિવારજનો અને વતનથી દૂર દેશ સેવામાં જોડાયેલા બન્ને જવાનોના સ્વાગત અને સન્માનમાં વ્યાસડાથી વેજલપુર સુધીના તમામ ગામોના હજારો યુવાનો વેજલપુર બસ સ્ટેશનમાં ઉમટી પડયા હતા અને ડીજે સાથે વેજલપુરથી વ્યાસડા સુધીની આઠ કીમી લાંબી બાઇક રેલીમાં જોડાઈને ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યારે બન્ને જવાનોએ વ્યાસડા ગામમાં પોતાના માતા પિતા અને ધારાસભ્યને સેલ્યુટમારીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
https://sandesh.com/maru-saher-maru-gaam


