કાલોલમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરતાં જુના ગોડાઉન ખાતે 24 કલાક સુધી ખરીદી સ્થગિત રહેતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતાં.
કાલોલમાં જુના ગોડાઉન ખાતે ટેકાના ભાવે ડાંગર ખરીદી ચાલી રહી છે. જેમાં પાછલા 24 કલાકથી ખરીદી સ્થગિત રહેતાં વિવિધ ગામોમાંથી આવતા ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. ખરીદી પ્રક્રિયા અનુસાર ખેડુતોને નોંધણીના અનુક્રમે SMSથી જાણ કરી બોલાવાય છે. જે મધ્યે મંગળવારે ખરીદી અંગે પાંચ-છ ગામના વીસેક જેટલા ખેડૂતોને જાણ કરાતા તેઓ સોમવારે સાંજથી ડાંગરના ટ્રેકટરો સાથે ગોડાઉન ખાતે હાજર થઈ ગયા હતા, પરંતુ તંત્ર દ્વારા ગમે તે કારણોસર મંગળવારે દિવસભર ખરીદી સ્થગિત કરતાં ખેડૂતો અટવાઈ ગયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર ગોડાઉન ખાતે 24 કલાક સુધી કોઈ ખરીદી નહીં થતાં ઉપરાંત પીવાના પાણીની પણ વ્યવસ્થા નહીં હોવાથી દિવસભર ભુખ્યા તરસ્યા બેસવું પડયું હતું. ખેડૂતોએ તંત્રની લાપરવાહી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તપાસ કરતાં ખરીદી માટે જરૂરી બારદાન (કોથળા) નહીં હોવાને કારણે તેમજ મજુરો પણ નહીં હોવાથી ખરીદી અટકી હોવાનો બચાવ કર્યો હતો.
https://sandesh.com/maru-saher-maru-gaam


