છોટા ઉદેપુરમાં નક્સલવાદની પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. આપત્તિજનક પોસ્ટ મુકનાર પરેશ રાઠવા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હિડમાના સમર્થનમાં વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.પોલીસે ગુનો નોંધી પરેશ રાઠવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાંપતી નજર રખાઈ રહી છે.
હિડમાને સ્વાતંત્ર્ય સેનાની જેમ બતાવતો
છોટા ઉદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખે કહ્યું હતું કે, સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર છોટા ઉદેપુરના પરેશ રાઠવા નામના શખ્સ દ્વારા એક વીડિયો પોસ્ટ કરાયો હતો. જેમાં તે ખૂંખાર નક્સલવાદી હિડમાને સ્વાતંત્ર્ય સેનાની જેમ બતાવતો હતો. તે વીડિયોમાં તમામ આદિવાસીઓ નક્સલવાદીઓ છે એ પ્રકારની વાત કરતો હતો. જેથી આ દેશની અખંડતા અને સાર્વભૌમત્વને ચેલેન્જ કરતી અને દેશમાં સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરતી ગંભીર બાબત હતી. જેથી પોલીસે આ પરેશ રાઠવાની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દેશ વિરોધી કૃત્યો કરનાર સામે ચાંપતી નજર
છોટા ઉદેપુરના જિલ્લા પોલીસવડા ઇમ્તિયાઝ શેખે કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વધુ ફોલોવર્સ, લાઈક અને શેરના ચક્કરમાં આવીને કોઈપણ વ્યક્તિએ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરવી નહીં. પોલીસ દ્વારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી કૃત્યો કરનાર સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેથી લોકોએ કોઈપણ પોસ્ટ મુકતા પહેલા તેનો વિચાર કરવો જોઈએ.


