જો તમે અમેરિકામાં અભ્યાસ કરવા અથવા કામ કરવા માંગતા હો, તો US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરશે. તેઓ તમે શું પોસ્ટ કરો છો અને અમેરિકા અને તેના હિતો વિશે તમારા મંતવ્યો કેવા છે તે તપાસશે. જ્યારથી સોશિયલ મીડિયા ચકાસણીનો નવો નિયમ લાગુ થયો છે, ત્યારથી તેણે એક મોટી સમસ્યા ઊભી કરી છે. તેના કારણે ભારતમાંથી H-1B વિઝા અરજીઓની પ્રક્રિયામાં નોંધપાત્ર મુશ્કેલીઓ સર્જાઈ છે.
એડવાઈઝરીમાં શું કહેવાયું છે?
પરિસ્થિતિ એવી છે કે યુએસ એમ્બેસી ખાતે ઘણા ભારતીયોની H-1B વિઝા એપોઇન્ટમેન્ટ આગામી વર્ષ સુધી સ્થગિત કરવામાં આવી છે. ભારતમાં સ્થિત યુએસ એમ્બેસીએ 9 ડિસેમ્બર મંગળવારની રાત્રે વિઝા અરજદારો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “જો તમને એવો ઈમેઈલ મળ્યો છે કે જેમાં તમારા વિઝા એપોઇન્ટમેન્ટને રિશેડ્યૂલ કરવામાં આવ્યા હોવાની જાણ કરાઈ છે તો મિશન ઇન્ડિયા તમને નવી એપોઇન્ટમેન્ટ તારીખ માટે મદદ કરવા માટે આતુર છે.”
યુએસ એમ્બેસીએ ચેતવણી પણ આપી હતી કે જો કોઈ નવી એપોઇન્ટમેન્ટ તારીખની માહિતી મળ્યા પછી પણ પાછલી તારીખે એમ્બેસી પહોંચશે તો તેને અંદર જવા દેવામાં આવશે નહીં અને પ્રવેશ આપવામાં આવશે નહીં. એમ્બસીનું કહેવું છે “જો તમે વહેલી એપોઇન્ટમેન્ટ તારીખે પહોંચશો, તો તમને દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.”
સૌથી વધુ ભારતીયોને થશે અસર
નવા નિયમે ભારતીયોનું ટેન્શન વધારી દીધું છે. કારણ કે અમેરિકામાં હાઈ સ્કીલ વિઝા એટલે કે H-1B વિઝા લેનારા લોકોમાં 70% થી વધુ અને H-4 EAD ધારકોમાં 90% ભારતીયો છે. 15 ડિસેમ્બરથી લાગુ થનારા આ નિયમથી ભલે તમે પહેલીવાર વીઝા એપ્લાય કરતા હોય કે તેને રીન્યૂ કરાવતા હોય તમારે તમારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટને પબ્લીક કરવા પડશે. વીઝા અધિકારી તમારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટની દરેક પોસ્ટની તપાસ કરશે.
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, ડિસેમ્બરમાં યોજાનાર H-1B વિઝા માટેના ઇન્ટરવ્યુ આગામી વર્ષના માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી રહ્યા છે. જોકે, કેટલા ભારતીય અરજદારોની નિમણૂક મુલતવી રાખવામાં આવી છે તે ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. એક અગ્રણી બિઝનેસ ઇમિગ્રેશન લો ફર્મના વકીલ સ્ટીવન બ્રાઉને જણાવ્યું હતું કે, “મિશન ઇન્ડિયા અમે જે સાંભળી રહ્યા છીએ તેની પુષ્ટિ કરે છે. તેમણે આગામી અઠવાડિયા માટે ઘણી એપોઇન્ટમેન્ટ રદ કરી છે. સોશિયલ મીડિયા ચેકિંગને મંજૂરી આપવા માટે આ અપોઈમેન્ટ માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સપ્ટેમ્બરમાં તેમની નવી H-1B વિઝા નીતિ હેઠળ H-1B વિઝા પર 1,00,000 ડોલર એટલે કે લગભગ 88 લાખ રૂપિયાની ફી પણ લાદી હતી. તેઓ હવે અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ચકાસી રહ્યા છે. આ વિઝાની મદદથી કુશળ ભારતીય કામદારો એમેરિકા જઈને કામ કરી શકશે.


