ગુજરાતમાં ગત ઓક્ટોબર મહિનામાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી હતી. આ મંત્રી મંડળમાં બે મંત્રીઓનું પત્તુ કાપી નાંખવામાં આવ્યું હતું. તેમનું મંત્રી પદ જવાનું મુખ્ય કારણ તેમના પુત્રો હતાં. રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુ ખાબડ અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુ સિંહ પરમારને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બંને મંત્રીઓના પુત્રોના કારણે મંત્રી પદથી તેમને દૂર કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું છે.
કેબિનેટ મંત્રી બચુ ખાબડના પુત્રોનું મનરેગા કૌભાંડ
રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો કિરણ અને બળવંત ખાબડની દાહોદ પોલીસે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં કથિત રીતે આચરવામાં આવેલા 71 કરોડ રૂપિયાના મનરેગા ગોટાળાના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યાર બાદ બચુ ખાબડ સતત 18 કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યા હતાં.તેઓ કોઈ સરકારી કાર્યક્રમમાં પણ હાજર રહ્યા નહોતા. આ ઉપરાંત રાજ્ય સરકારે વિધાનસભાના સત્રમાં પણ તેમને બોલાવ્યા નહોતા. આ ઉપરાંત સરકારના નવા મંત્રી મંડળમાં પણ તેમને સ્થાન આપવામાં આવ્યું નહોતુ. રાજ્ય સરકારે કોઈપણ નિવેદન આપ્યા વિના સ્પષ્ટ કર્યું હતું કે, સરકારની છબી ખરડનારા નેતાઓને દૂર કરવામાં આવશે.
ભીખુસિંહ પરમારના બંને પુત્રોની દાદાગીરી
બીજી તરફ અરવલ્લીના મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારને પણ તેમના બે પુત્રોને કારણે મંત્રી પદ ગુમાવવું પડ્યું હોવાનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમારના બે પુત્રોની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો.તેમણે રીક્ષાચાલક પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બંને પુત્ર કિરણસિંહ અને રણજિતસિંહ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ ઉપરાંત ભીખુસિંહ પરમાર સાબરકાંઠામાં બીઝે઼ડ ફાઈનાન્સના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી હોવાનો પણ આરોપ લાગ્યો હતો. આટલું જ નહીં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમારની સહિત વોર્ડ સભ્યની આખી પેનલ હારી ગઈ હતી. છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં રાજ કરતા મંત્રી ભીખુસિંહ પરમારના પરિવારને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ Flash Back 2025: ઉથલપાથલથી ભરેલા 2025ની એ 5 તસવીરો..જેણે દુનિયાનું ખેંચ્યુ ધ્યાન


