મંગળવારે સાંજે સુદાનના સશસ્ત્ર દળો (SAF)એ હેગલિગ નજીક મોટો ડ્રોન હુમલો કર્યો હતો. રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)એ દાવો કર્યો કે હુમલામાં “ડઝનબંધ” લડવૈયાઓ અને સ્થાનિક આદિવાસી નેતાઓ માર્યા ગયા.RSFનું કહેવું છે કે હુમલો તુર્કી બનેલા અકિંજ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો.દક્ષિણ સુદાનના ત્રણ સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટિ પણ સ્થાનિક રાજ્ય સરકારે કરી છે. એક દક્ષિણ સુદાનના સૈનિકે અંદાજ કર્યો કે મોતનો આંકડો ઓછામાં ઓછા 25 સુધી હોઈ શકે છે. અમુક સુદાનના લશ્કરી અધિકારીઓએ પણ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે નિશાન ખાસ કરીને RSF લડવૈયાઓને બનાવવામાં આવ્યું હતું.
હેગલિગ RSFના કબ્જામાં, તેલ ક્ષેત્ર માટે નવી લડાઈ
આ હુમલો ત્યારે થયો જ્યારે RSFએ એક દિવસ અગાઉ જ હેગલિગ તેલ ક્ષેત્ર પર કબજો કર્યો હતો. આ સુદાન માટે અત્યંત મહત્વનું સ્થળ છે, કારણ કે દેશના મોટા ભાગનું તેલ અહીંથી જ પ્રક્રિયા થાય છે. દક્ષિણ સુદાનના કમાન્ડર જોહન્સન ઓલોનીએ જણાવ્યું કે હેગલિગ પર RSFનું નિયંત્રણ મળ્યા બાદ તેને સુરક્ષિત કરવા તેમના સૈનિકો આગળ વધ્યા હતા. જોકે, દક્ષિણ સુદાનનું સૈન્ય સત્તાવાર રીતે આ બાબતે કંઇ કહેવા તૈયાર નથી. દક્ષિણ સુદાન તેના તેલ નિકાસ માટે સુદાનની પાઇપલાઇનો પર આધાર રાખે છે. તેથી આ વિસ્તારમાં લડાઈ વધે તો તેની પોતાની અર્થવ્યવસ્થા પર પણ ભારે અસર પડે છે.
3,900 સુદાનના સૈનિકોનો સમર્પણ
યુનિટી રાજ્યના માહિતી મંત્રીના દાવા મુજબ,મંગળવારે સુધીમાં આશરે 3,900 સુદાની સૈનિકો દક્ષિણ સુદાનમાં પ્રવેશીને આત્મસમર્પણ કરી ચૂક્યા છે. અહેવાલો અનુસાર એવા વિડિયોઝ પણ બતાવવામાં આવ્યા કે જેમાં સુદાની ટાંકી, સશસ્ત્ર વાહનો અને તોપખાના દક્ષિણ સુદાનના દળોને સમર્પિત થઈ રહ્યા છે. આ દરમિયાન હજારો સુદાની નાગરિકો પણ સતત સરહદ પાર કરીને દક્ષિણ સુદાનમાં આશરો લઇ રહ્યા છે. દક્ષિણ સુદાન પર RSFનો પક્ષ લેવા આક્ષેપ થયા છતાં, તેની સરકાર આગ્રહ રાખે છે કે તે સંપૂર્ણપણે તટસ્થ છે.
2 વર્ષમાં 1.5 લાખ મોત — સુદાનની સૌથી મોટી માનવીય દુર્ધટના
એપ્રિલ 2023 થી ચાલી રહેલા આ ગૃહયુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખ લોકોનું મોત થયું છે. લાખો લોકો ઘરછોડા થયા છે અને અનેક વિસ્તારોમાં ભુખમરો સર્જાયો છે. RSFએ તાજેતરમાં ઉત્તરી દારફુરની રાજધાની અલ-ફાશીર પર પણ કબજો કરી લીધો હતો જે સુદાનની સેનાનું ત્યારે અંતિમ મોટું ગઢ ગણાતું હતું. હવે હેગલિગ જેવી અગત્યની સરકારી સંપત્તિ RSFના હાથમાં જતા, વિશ્લેષકો માને છે કે તે વાટાઘાટોમાં RSF માટે મોટું દબાણ સાધન બની શકે છે. જોકે તેલની આવકની પારદર્શિતાની અછતને કારણે આ જીતનો ટૂંકાગાળાનો આર્થિક પ્રભાવ અંદાજવો મુશ્કેલ છે.


