વાવ તાલુકાના અસારા સીમ વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધ અંગેના વિવાદે ચરમસીમા સ્પર્શતા એક યુવતી પર થયેલા જીવલેણ હુમલામાં યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પ્રેમી વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, સુઈગામ તાલુકાના લીંબુણી ગામના મહેન્દ્ર ગંગારામભાઈ ઠાકોરનો પીડિત યુવતી સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. પરંતુ બંને વચ્ચે શંકા અને મનદુઃખ ઉભું થતા પરિસ્થિતિ બગડતી ગઈ. આ જ વિવાદના પગલે મહેન્દ્ર ઠાકોરે અસારા સીમના ખેતરમાં યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાને લઈ યુવતીના ભાઈએ તાત્કાલિક વાવ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી. વાવ પોલીસે આરોપી મહેન્દ્ર ગંગારામભાઈ ઠાકોર વિરુદ્ધ હત્યાના પ્રયાસ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. ત્યારે સારવાર લઈ રહેલી યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે પ્રેમી વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી યુવકની પ્રાથમિક સારવાર બાદ તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં આ બનાવ સંપૂર્ણપણે વ્યક્તિગત સંબંધોમાં સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને લઈને બન્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


