સજાતીય વ્યક્તિઓને સહજીવન જીવવાનો અધિકાર છે, પરંતુ તેમના લગ્નને કાયદેસરતા આપવાનો અધિકાર સંસદનો જ હોવાનું જણાવવા સાથે સર્વોચ્ચ અદાલતે આ સમુદાયના ભેદભાવોને અસ્વીકાર્ય પણ ગણાવ્યા
સજાતીય સંબંધ ધરાવનારા લોકો બાકીના નાગરિકોની જેમ જ કાયદેસર લગ્નનો અધિકાર મેળવી શકે કે કેમ તેનો ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપવાનો હતો. પાંચ જજોની બંધારણીય બેન્ચ આ માટે થયેલી 18 જેટલી અરજીઓ પર ઘણા મહિનાઓથી સુનાવણી કરી હતી. આ બાબતને પણ અગત્યની ગણીને તેની સુનાવણી સતત ચાલી હતી અને આખરે મંગળવારે તેનો ચુકાદો આવવાનો હતો.
LGBTQ+ જેવા ટૂંકાક્ષરીથી અથવા સામાન્ય બોલચાલમાં સજાતીય સંબંધો ધરાવનારા લોકોના અધિકાર માટે અરજીઓ કરવામાં આવી હતી. દંપતિની જેમ જ સાથે રહેનારા, કેટલાક કિસ્સામાં તો બાળકોનો વાલીઓની જેમ ઉછેર કરી રહેલા સજાતીય કપલે પણ પોતાને નડતી પરેશાનીઓ દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો. તેમને આશા હતી કે સુપ્રીમ કોર્ટ તેમના માટે સહાનુભૂતિથી વિચારશે અને તેમને પણ લગ્ન કરવા માટેનો અધિકાર અપાવશે.
આવી આશા એટલા માટે હતી કે સજાતીય સેક્સને ગુનો ગણીને જે પોલીસ જે રીતે પરેશાન કરતી હતી તેમાંથી મોટી રાહત અગાઉ સુપ્રીમ કોર્ટે જ આપી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સજાતીય સંબંધો વ્યક્તિગત પસંદગીની બાબત છે અને તેને ક્રિમિનલ એક્ટિવિટી ગણી શકાય નહીં. આ સમુદાયના લોકો માટે તે બહુ મોટી રાહતની વાત હતી, પણ તે સિવાયની બાબતો એવી છે જેમાં સુપ્રીમ કોર્ટની પણ મર્યાદા છે.
મંગળવારે ચુકાદો આપતી વખતે ન્યાયાધીશોએ કહ્યું પણ ખરું કે અદાલતનું કામ કાયદાઓનું અર્થઘટન કરવાનું છે, કાયદો બનાવવાનું નથી. ભારતમાં ધર્મને આધાર પર્સનલ લો બનેલા છે અને લગ્ન, વારસો, દત્તક જેવી બાબતો તેને આધારે નક્કી થાય છે. સમાન નાગરિક ધારો લાવવાની ચાલી રહી છે. તે આવશે ત્યારે બાકીના બધા પર્સનલ લોની જગ્યાએ દરેક માટે એક સમાન કાયદો આવશે. તે વખતે એવું બની શકે છે કે દરેક વ્યક્તિની વ્યાખ્યામાં આ સમુદાયના લોકો – સજાતીય લોકો પણ આવી જશે. પરંતુ હાલના સંજોગોમાં પર્સનલ લો સિવાયના આંતર-જ્ઞાતિ અને આંતર-ધર્મ લગ્ન માટેનો સ્પેશિયલ મેરેજ એક્ટ છે તેમાં ફેરફાર કરવો વ્યવહારુ નથી એમ સુપ્રીમે જણાવ્યું છે.
સરકારે અને બધા જ ધર્મના અગ્રણીઓએ સર્વોચ્ચ અદાલતમાં પોતાના અભિપ્રાયો આપ્યા તેમાં આ પ્રકારના લગ્નોનો વિરોધ કર્યો હતો. સ્વાભાવિક છે કે સરકાર જાહેર જનતાના અભિગમ વિરુદ્ધ ના જાય અને ધાર્મિક આગેવાનો પણ પોતપોતાના સંપ્રદાયના વિચારોને વળગી રહેવાના. જોકે જમાનો બદલાયો છે અને વ્યક્તિ નાસ્તિક હોય અને કોઈ ધર્મમાં ના માનતો હોય ત્યારે તેને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. આ બદલાતા પ્રવાહને પણ ભારતની સર્વોચ્ચ અદાલતે પારખ્યો છે અને સમગ્ર સુનાવણી દરમિયાન સમુદાયની સમસ્યા તરફ સહાનુભૂતિ પણ દાખવી હતી.
પણ આખરે સરકારનું એ સૂચન સ્વીકારાયું છે કે કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક કમિટિ બેસશે અને આ સમુદાયને લગતા દરેક સવાલો અને સમસ્યા પર વિચાર કરશે. આખરે ટેક્નિકાલિટીને આધારે, સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફારથી થનારી વારસા અને દત્તકની જોગવાઈમાં થનારી અસરો વગેરેનો વિચાર કરીને અદાલતે જણાવ્યું કે દરેક વ્યક્તિને સાથી પસંદ કરવાનો અધિકાર છે. દરેકને પોતાની રીતે સહઅસ્તિત્વનો, સહજીવનનો અધિકાર છે. પરંતુ પોતાના સંબંધોને લગ્ન તરીકેનો એક દરજ્જો માગવો તે આ તબક્કે શક્ય નથી. તે માટેનો કાયદો સંસદે જ કરવાનો રહે. સંસદ શું કરશે તે જોવાનું રહે છે અને સમાન નાગરિક ધારો આવે ત્યારે આ સમુદાયના લોકોને પણ સર્વસાધારણ નાગરિક સમજીને તેમને પણ આવરી લેવામાં આવે છે કે કેમ તે જોવાનું રહે છે.
ભારતમાં સજાતીય સેક્સને ગુનો ગણાવાતો હતો તેને ભૂતકાળમાં ચુકાદાથી રદ કરીને તેને વ્યક્તિની પસંદ ગણવાનો ઐતિહાસિક ચૂકાદો આપેલો, પરંતુ લગ્ન કરવાની વાતને પણ કાયદેસરતા મળશે તેવી આશા ફળી નથી. સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવી પણ જણાવ્યું કે આ બાબતના સંસદના કાર્યક્ષેત્રની છે અને કાયદો પોતે કરી શકે નહીં.
આ ઉપરાંત સજાતીય લગ્નને કાયદેસર કરવામાં આવે તો તેની સાથે દત્તક અને વારસા સહિતની ઘણી બાબતો જોડાઈ જાય છે. તેથી આ સમુદાયના લોકોને સહજીવનનો અધિકાર છે અને તેમને નડતી દરેક પરેશાનીઓ દૂર થવી જોઈએ, પરંતુ તેમના સંબંધોને કાયદેસર લગ્નનો દરજ્જો આપવો મુશ્કેલ છે. સરકારે એવું પણ સૂચન કર્યું હતું કે સજાતીય સમુદાયના લોકોને અનેક ભેદભાવનો સામનો કરવો પડે છે અને મુશ્કેલીઓ નડે છે તે દૂર કરવા માટે એક સમિતિ બેસાડવામાં આવે. કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં સમિતિ બને અને તેમાં આ સમુદાયના દરેક પ્રશ્નોનો વિચાર કરવાની ખાતરી આપવામાં આવી હતી.
ન્યાયાધીશોએ કહ્યું હતું કે આ સમુદાયને અધિકાર આપવા જતા સ્પેશ્યલ મેરેજ એક્ટને બદલી નાખવો પડે તે વ્યવહારુ લાગતું નથી. સ્પેશ્યિલ મેરેજ એક્ટમાં ફેરફારોની અસર અન્ય દંપતિઓને પણ થઈ શકે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સજાતીય કપલો સહજીવન જીવી શકે છે, પણ તેમને લગ્ન માટે કાયદેસર માન્યતા આપવાની વાત સંસદે કાયદો કરીને કરવાની રહેશે.