ભારતમાં લાંબા અંતરની મુસાફરી માટે વપરાતી બસોમાં આગ લાગવાની ઘટનાઓ હવે એક ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બસ દુર્ઘટનાઓ અને આગના બનાવોમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે પરિવહનની સલામતી વ્યવસ્થાની પોલ ખોલી નાખે છે. ઓક્ટોબર 2025માં જ બે મોટી અને હૃદય કંપાવનારી ઘટનાઓ બની, જેમાં લગભગ 40 જેટલા લોકોનાં કરુણ મૃત્યુ થયાં.
ઓક્ટોબર 2025ની ભયાવહ ઘટનાઓ
આંધ્રપ્રદેશના કુરનૂલ પાસે હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી એક લક્ઝરી ખાનગી સ્લીપર કોચ બસની ટક્કર એક મોટરસાયકલ સાથે થતાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં ઓછામાં ઓછા 19 મુસાફરો જીવતા ભૂંજાઈ ગયા હતા.રાજસ્થાનના થાયત જેસલમેરથી જોધપુર તરફ જતી એક એસી સ્લીપર બસમાં આગ લાગવાની બીજી મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં લગભગ 20 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ અથવા કોઈ મુસાફર દ્વારા ફટાકડા ફોડવા જેવા કારણોની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
શોર્ટ સર્કિટ આગનું સૌથી મુખ્ય કારણ
આગ લાગવાના મુખ્ય કારણો વારંવાર થતા આ અકસ્માતો પાછળ માત્ર અકસ્માત નહીં, પરંતુ બસના સંચાલન અને ડિઝાઇન સંબંધિત ગંભીર ખામીઓ પણ જવાબદાર છે. બસના વાયરિંગમાં થતી ઇલેક્ટ્રિકલ ખામી અથવા શોર્ટ સર્કિટ આગનું સૌથી મુખ્ય કારણ હોય છે, જે મેન્ટેનન્સના અભાવને કારણે સર્જાય છે.
ઈંધણની ટાંકીમાં લીક થવાથી
અન્ય વાહનો સાથેની નાની કે મોટી ટક્કરને કારણે ઈંધણની ટાંકીમાં લીક થવાથી અથવા વાયરિંગને નુકસાન થવાથી આગ ઝડપથી ભભૂકી ઉઠે છે.બસની અંદર સીટ કવર અને છત માટે વપરાતું ફૉમ અને રેક્સિન જેવી સામગ્રી અત્યંત જ્વલનશીલ હોય છે, જે આગ લાગ્યા પછી મુસાફરોને બચવાનો સમય આપતી નથી. સૌથી ગંભીર બાબત એ છે કે આગ લાગ્યા પછી ઇમરજન્સી એક્ઝિટ (બારીઓ અને દરવાજા) કાં તો લોક હોય છે અથવા સામાનના કારણે અવરોધાઈ જાય છે, જેનાથી મુસાફરો ફસાઈ જાય છે.


