મહીસાગર જિલ્લામાં પોલીસે ખેતરોમાં થતા નશાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ કરીને એક મોટી સફળતા મેળવી છે. જિલ્લાના વડદલા રત્નાજીના મુવાડા વિસ્તારમાં એક ખેડૂત દ્વારા એરંડાના પાકની આડમાં છુપાવીને મોટા પાયે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.
રૂ. 2.37 કરોડનો ગાંજો જપ્ત
પોલીસને મળેલી બાતમીના આધારે ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ચેકિંગ દરમિયાન ખેતરમાંથી આશરે 258 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે આ સમગ્ર જથ્થાની બજાર કિંમત આશરે રૂ. 2.37 કરોડ આંકી છે અને તેને જપ્ત કર્યો છે. આરોપી ખેડૂત, જેની ઓળખ વાઘજી પરમાર તરીકે થઈ છે, તે એરંડાના ઊંચા પાકની આડમાં ગાંજાનું વાવેતર કરીને કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી છે.
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
પોલીસે આરોપી વાઘજી પરમાર વિરુદ્ધ NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર માત્ર સ્થાનિક વેચાણ માટે હતું કે અન્ય કોઈ મોટા નેટવર્ક સાથે સંકળાયેલું હતું, તે જાણવા માટે પોલીસે ધરપકડ કરાયેલા આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો : Valsad Bridge Collapsed મામલે ગાંધીનગર સુધી નોંધ લેવાઈ, માર્ગ-મકાન વિભાગના સર્કલ ઓફિસરને તપાસ સોંપાઈ


