ઇન્ડિગો એરલાઇન્સ ઓપરેશન સાથે જોડાયેલી સમસ્યાઓ મામલે મહાનિર્દેશાલય નાગરિક ઉડ્ડયન એ પ્રારંભિક તપાસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં કેટલાક ફ્લાઇટ ઓપરેશન ઇન્સપેક્ટર દોષિત જણાયા છે.
4 અધિકારીઓ પર કાર્યવાહી
ડીજીસીએએ ઇન્ડિગોની દેખરેખ કરનારા પોતાના 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સપેક્ટરોને નોકરીથી હટાવી દીધા છે. આ ચારેય ઇન્સપેક્ટર ઇન્ડિયો ફ્લાઇટની સુરક્ષા અને સંચાલન સાથે જોડાયેલા હતા. માનવામાં આવી રહ્યું છે કે તપાસ અને દેખરેખમાં થયેલી લાપરવાહીને કારણે DGCAને આ કડક પગલા ભરવા પડ્યા.
જે અધિકારીઓ પર કાર્યવાહી થઇ છે તે તમામ કોન્ટ્રાક્ટ પર DGCAમાં કામ કરી રહ્યા હતા અને તેમની જવાબદારી ઇન્ડિગોની સુરક્ષા તથા ઓપરેશનલ ઓવરસાઇટની હતી.
દિલ્હી હાઇકોર્ટ આકરાપાણીએ
દિલ્હી હાઈકોર્ટે અગાઉ કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન નિયામક (DGCA) ને ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપ અને એરપોર્ટ પર મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે કડક પ્રશ્નો પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે આ અચાનક પરિસ્થિતિ શા માટે ઊભી થઈ અને મુસાફરોને મદદ કરવા માટે કયા પગલાં લેવામાં આવ્યા. કોર્ટે એ પણ જાણવા માંગ્યું હતું કે સરકારે એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોની તકલીફને દૂર કરવા માટે તમે શું વ્યવસ્થા કરી છે.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દો ફક્ત મુસાફરોની અસુવિધા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં નાણાકીય નુકસાન અને સિસ્ટમ નિષ્ફળતાઓનો પણ સમાવેશ થાય છે. કોર્ટે પૂછ્યું હતું કે મુસાફરોને વળતર આપવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે અને એરલાઇન સ્ટાફની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે.
હવાઈ ભાડામાં અચાનક વધારાથી કોર્ટ નારાજ
હવાઈ ભાડામાં થયેલા ભારે વધારા અંગે પણ કોર્ટે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે અગાઉ ₹5,000 માં મળતી ટિકિટો ₹30,000–₹35,000 કેવી રીતે થઇ ગયા. બેન્ચે પ્રશ્ન કર્યો હતો કે કટોકટી દરમિયાન અન્ય એરલાઈન્સને આટલો નફો કેવી રીતે કરવાની મંજૂરી આપવામાં આવી. આટલા ઊંચા ભાડા કેવી રીતે વસૂલવા શક્ય છે?
જવાબમાં ASG ચેતન શર્માએ જણાવ્યું હતું કે સમગ્ર કાનૂની વ્યવસ્થા અમલમાં છે અને કેન્દ્ર સરકાર લાંબા સમયથી FDTL લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એરલાઇન્સે જુલાઈ અને નવેમ્બર તબક્કા માટે રાહત માંગી હતી. તેમણે ઉમેર્યું હતું કે આ પહેલી વાર છે જ્યારે મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો છે અને ભાડા મર્યાદા નક્કી કરી છે, જે પોતે જ એક કડક નિયમનકારી પગલું છે.


