દેશભરની બેન્કોએ એક મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ વેરિફિકેશનનો નિયમ બદલાયો છે. નવા નિયમ પ્રમાણે હવે બેન્ક અકાઉન્ટ હોલ્ડર્સની વેરિફિકેશન ઓનલાઇન બદલે બેન્કમાં વ્યક્તિગત રીતે થશે. એટલે કે હવે ઓનલાઇન અરજી કરીને એકાઉન્ટ ખોલાવનારાઓએ પણ બેન્ક જઈને ફિઝિકલ વેરિફિકેશન કરાવવું પડશે, અથવા તો રિલેશનશિપ મેનેજર તેમને બેન્કમાં બોલાવી વેરિફિકેશન કરશે, અથવા ખાતાધારકના ઘરે જઈને વેરિફિકેશન કરશે.
વધતા જતા ફ્રોડના કારણે નવો નિયમ બનાવાયો
એકાઉન્ટ હોલ્ડરની ઓળખ ચોરી થવાના અને ફેક અકાઉન્ટ ખોલવાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને બેન્કોએ આ નિયમ બદલ્યો છે. ઓનલાઇનથી ફિઝિકલ વેરિફિકેશન લાગુ થવાથી ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ પર અસર પડશે, પરંતુ ઠગાઈ અને નકલી અકાઉન્ટના વધારો રોકવા માટે ડિજિટલાઈઝેશનમાં થોડું પાછળ હટવું જરૂરી બન્યું છે. હવે ICICI બેન્ક, HDFC બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બડોદા જેવી બેન્કોએ ડિજિટલાઈઝેશન પર થોડું નિયંત્રણ મૂક્યું છે.
બેન્કોએ શરૂ કરી નવી પ્રક્રિયા
બેન્કોએ હવે ગ્રાહકોને દસ્તાવેજો જમા કરવા અને વેરિફિકેશન માટે નજીકની બ્રાંચમાં આવવા કહેવાનું શરૂ કર્યું છે. બેન્ક અધિકારીઓને પણ ગ્રાહકોના ઘરે વેરિફિકેશન માટે મોકલવામાં આવી રહ્યા છે. જો એકાઉન્ટ ખોલતી વખતે બેન્કોએ ‘નો યોર કસ્ટમર’ (KYC) પ્રોટોકોલનું પાલન ન કર્યું હોય તો તેમના પર દંડ પણ થઈ શકે છે. ICICI બેન્કે ઇન્સ્ટા-એકાઉન્ટ ખોલવાની સર્વિસ સંપૂર્ણપણે બંધ કરી છે. હવે માત્ર સેલેરી અકાઉન્ટ ઓનલાઇન ખોલી શકાય છે, જ્યારે બાકીના એકાઉન્ટ માટે બેન્ક અધિકારી ગ્રાહકના ઘરે જઈને એકાઉન્ટ ખોલે છે.


