સંજેલી તાલુકાના હિરોલા ગામની રંગલીઘાંટી વિસ્તારમાં આજે સવારે એક યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ગામમાં ખળભળાટ મચી ગયો. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થળને કોર્ડન કરીને પુરાવા એકત્ર કર્યા.
સ્થાનિક લોકો ઢોર ચરાવવા ગયાં હતા ત્યારે સળગેલો માનવદેહ જોઈને ચોંકી ગયા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વહેલી સવારે કેટલાક સ્થાનિક લોકો ઢોર ચરાવવા ગયાં હતા ત્યારે સળગેલો માનવદેહ જોઈને ચોંકી ગયા અને સંજેલી પોલીસને જાણ કરી. મૃતદેહ એટલી હદે સળગેલો હતો કે તેને ઓળખવું મુશ્કેલ બની ગયું છે.
મૃતકના હાથમાં એક સ્માર્ટ ઘડીયાળ મળી
જોકે, મૃતકના હાથમાં એક સ્માર્ટ ઘડીયાળ મળી છે, જેને પોલીસે કબજે લીધી છે. પોલીસને આ ઘડીયાળ યુવકની ઓળખ અને કેસ ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે.
હત્યા કે આત્મહત્યા
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, યુવકને અન્ય સ્થળેથી અહીં લાવીને હત્યા કરી સળગાવ્યા હોવાનું અથવા તેણે આત્મહત્યા કરી હોઈ શકે*છે. સમગ્ર ઘટના વિશે લોકોમાં ચકચારનો માહોલ જોવા મળ્યો, પરંતુ પોલીસે પરિસ્થિતિ નિયંત્રિત કરી હતી.
પોલીસે તપાસ શરુ કરી
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને યુવકની ઓળખ તેમજ મૃત્યુનું કારણ (હત્યા કે આત્મહત્યા) જાણવા માટે સઘન તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં ગુમ થયેલા લોકોની માહિતી પણ ચકાસવામાં આવી રહી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ પણ લેવામાં આવી છે.
આ પણ વાંચો—- Gujarat Flashback 2025 : આ વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોના 338 અસામાજિક તત્વો સામે GUJCTOC નો ગુનો નોંધાયો


