સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ દરમિયાન મેચ ફિક્સિંગના ગંભીર આરોપો સામે આવ્યા બાદ ચાર ભારતીય ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આસામ ક્રિકેટ એસોસિએશને તાત્કાલિક પગલાં લેતાં ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી, અમિત સક્સેના અને અભિષેક ઠાકુરને સસ્પેન્ડ કર્યા છે. ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે FIR નોંધવામાં આવી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ તમામ ખેલાડીઓને એસોસિએશન દ્વારા આયોજિત કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ સમગ્ર કેસમાં ભારતમાં મેચ ફિક્સિંગ સંબંધિત કાનૂની જોગવાઈઓ પર નજર કરીએ.
મેચ ફિક્સિંગ માટે સ્પષ્ટ કાયદાનો અભાવ
ભારતમાં મેચ ફિક્સિંગ માટે કોઈ અલગ અથવા ખાસ કાયદો હાલ અમલમાં નથી. અન્ય કેટલાક દેશોની જેમ રમતગમતની પવિત્રતા જાળવવા માટે બનાવાયેલા વિશિષ્ટ કાયદા ભારતમાં નથી. આ કારણે કાયદા અમલ કરનારી એજન્સીઓ આવા કેસોમાં સામાન્ય ગુનાહિત કાયદાઓનો આશરો લે છે.
ભારતીય દંડ સંહિતાની કઈ કલમો લાગુ પડે છે?
મેચ ફિક્સિંગના કેસોમાં પોલીસ સામાન્ય રીતે ભારતીય દંડ સંહિતાની છેતરપિંડી સંબંધિત કલમો લાગુ કરે છે. તેમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કલમ 318 છે, જે ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ અપ્રમાણિક રીતે અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડે અથવા ખોટા લાભ માટે પ્રેરિત કરે. મેચ ફિક્સિંગમાં ટીમો, આયોજકો, પ્રાયોજકો તેમજ સામાન્ય જનતા સાથે છેતરપિંડી થતી હોવાને કારણે આ કલમ લાગુ કરવામાં આવે છે. જો આ ગુનામાં એકથી વધુ ખેલાડીઓ અથવા બહારના એજન્ટો સંડોવાયેલા હોય, તો કલમ 61 પણ ઉમેરવામાં આવે છે, જે ગુનાહિત કાવતરાને લગતી છે. કારણ કે મેચ ફિક્સિંગ મોટાભાગે એકલવાયું કૃત્ય ન હોવા પામે અને તેમાં બુકીઓ કે મધ્યસ્થીઓ સાથે સંકલન સામેલ હોય છે.
મેચ ફિક્સિંગમાં શું સજા થઈ શકે?
ભારતીય દંડ સંહિતાની છેતરપિંડી અને કાવતરાની કલમો હેઠળ દોષિત સાબિત થવા પર સાત વર્ષ સુધીની કેદ અને દંડની સજા થઈ શકે છે. સજા ગુનાની ગંભીરતા અને તેમાં સામેલ નાણાંની રકમ પર આધારિત હોય છે. જોકે, ચોક્કસ કાયદાની ગેરહાજરી અને પૂરતા પુરાવાના અભાવને કારણે ભારતમાં મેચ ફિક્સિંગના કેસોમાં દોષિત ઠેરવવું ઘણીવાર મુશ્કેલ સાબિત થયું છે.
BCCIની ભૂમિકા અને કડક વલણ
ફોજદારી કાર્યવાહી ધીમી ગતિએ આગળ વધે છે, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આવા મામલાઓમાં કોઈ નરમી દાખવતું નથી. BCCI તેના ભ્રષ્ટાચાર વિરોધી એકમ અને આચારસંહિતા હેઠળ ખેલાડીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી શકે છે. જરૂર પડે તો લાંબા સમય માટે પ્રતિબંધ અથવા દોષિત સાબિત થવા પર આજીવન પ્રતિબંધ પણ લગાવી શકાય છે.
આ પણ વાંચો- IPL 2026 ઓક્શન પહેલા ખળભળાટ! 9 ખેલાડીઓનું લિસ્ટમાંથી અચાનક નામ કપાયું!


