અમદાવાદ સોના-ચાંદી બજારમાં શનિવારે સોનામાં રૂ.500 અને ચાંદીમાં રૂ.2,000 ઘટયા હતા. ચાંદી ઘટીને પ્રતિ કિલો રૂ.1,88,000 થઇ હતી. જ્યારે સોનું રૂ.1,36,500 થયું હતું. વૈશ્વિક બજારમાં સોનું 29 ડોલર ઘટીને 4,299 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.ચાંદી 233 સેંન્ટ ઘટીને 61.98 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ફેબ્રુઆરી માસનો વાયદો કોઇપણ વધઘટ વગર રૂ.1,33,622 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યો હતો. ચાંદીમાં માર્ચ માસનો વાયદો રૂ.236 ઘટીને રૂ.1,92,615 પ્રતિ કિલો થયો હતો. કોમેક્સમાં સોનું 16.80 ડોલર વધીને 4,329.80 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 2.5 સેંન્ટ ઘટીને 62.08 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
શનિવારે અમદાવાદના બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઉતાર-ચઢાવ , સ્થાનિક માંગમાં ઘટાડો અને નફાવસુલીના કારણે કિંમતી ધાતુઓના ભાવ ઘટયા હોવાનું બજારના નિષ્ણાતો જણાવી રહ્યા છે. બીજી બાજુ ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સીધા રૂ.2,000 ઘટી જતા રોકણકારો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. ભાવમાં ઘટાડાની અસર દાગીના બજારમાં પણ જોવા મળી હતી. સોના-ચાંદીના વેપારીઓના જણાવ્યા મુજબ લગ્ન સિઝન, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ખરીદદારો બજાર પર નજર રાખી રહ્યા છે. ભાવમાં થોડી નરમાઇ આવતા સોનાની ખરીદીમાં મર્યાદિત સુધારો નોંધાયો છે. જ્યારે ચાંદીના દાગીના અને વાસણોની માંગ હજુ પણ સાવચેત સ્થિતિમાં છે. બજારના જાણકારોનું માનવું કે વૈશ્વિક સ્તરે ડોલરની સ્થિતિ, વ્યાજદર અંગેના સંકેતો અને આંતરરાષ્ટ્રીય સોનાના ભાવના પ્રભાવથી સ્થાનિક બજારમાં ભાવમાં ફેરફાર થઇ રહ્યો છે. આગામી દિવસોમાં ભાવ ફરી વધશે કે નહીં તે આંતરરાષ્ટ્રીય બજારની દિશા પર આધાર રાખશે.


