ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ધર્મશાલામાં ત્રીજી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાશે. મુલ્લાંપુરમાં હાર પછી ભારતનું ધ્યાન સિરીઝમાં લીડ બનાવવા પર હશે. 1-1થી બરાબર સિરીઝમાં અત્યાર સુધી અભિષેક શર્માનું બેટ શાંત રહ્યું છે. એવામાં ધર્મશાલામાં અભિષેક પાસે પણ રનોની આશા હશે. ફોર્મમાં ફરતાની સાથે જ અભિષેકની નજર વિરાટ કોહલીના 9 વર્ષ જૂના મહારેકોર્ડ ધરાશાયી કરવા પર હશે. અભિષેક પાસે આ રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે.
કોહલીનો રેકોર્ડ તોડવાની તક
અભિષેક શર્મા T20માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાના વિરાટ કોહલીના રેકોર્ડને તોડવા નજીક છે. કોહલીએ આ રેકોર્ડ 2016માં બનાવ્યો હતો. તેણે 31 મેચમાં 89.66ની સરેરાશથી 1614 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદી અને 14 અડધી સદીનો સમાવેશ થાય છે. હવે અભિષેક આ રેકોર્ડ તોડવાથી માત્ર 87 રન દૂર છે. આ વર્ષે,તેમણે 39 T20 મેચમાં 41.43ની સરેરાશથી 1533 રન બનાવ્યા છે,જેમાં ત્રણ સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા ત્રીજી મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી T20I સિરીઝમાં અભિષેક શર્માનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. કટકમાં પ્રથમ T20Iમાં તેઓ ઓછા રનમાં આઉટ થયો હતો, પણ ભારતે હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગના દમ પર આ મેચ 101 રનથી જીતી હતી. ત્યારબાદ મુલ્લાંપુરમાં બીજા T20Iમાં પણ અભિષેકનું બેટ શાંત રહ્યું. તેણે માત્ર 8 બોલમાં 17 રન બનાવ્યા હતા, જેમાં બે છગ્ગા સામેલ હતા. આ મેચ દરમિયાન અભિષેકે T20 ઇન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં 50 છગ્ગા પૂરા કર્યા હતા.
સિરીઝ 1-1થી બરાબરી પર
ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. પ્રથમ મેચમાં બોલર્સે સારું પ્રદર્શન કર્યું હતું અને હાર્દિકે મોટી ઇનિંગ રમી હતી. જોકે, બીજા મેચમાં ઓવરઓલ ખરાબ પ્રદર્શનને કારણે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. 214 રનના મોટા લક્ષ્યનો પીછો કરતા ભારત 19.1 ઓવરમાં 162 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. હવે પાંચ મેચની સિરીઝ 1-1થી બરાબરી પર છે, એટલે ભારતને ત્રીજી મેચમાં ટોપ અને મિડલ ઓર્ડર બેટ્સમેનોથી સતત સારું પ્રદર્શન જોઈએ, જેથી ટીમ 2-1થી લીડ મેળવી શકે.


