સુરતમાં અજ્ઞાનતાને કારણે એક વૃદ્ધાના અંતિમ સંસ્કારની વિધિ થોડા સમય માટે અટવાઈ જવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ઉમરા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય સુનિતાદેવીનું લાંબા સમયની લકવાગ્રસ્ત બીમારી બાદ નિધન થયું હતું. પરિવારજનો મૃતક સુનિતાદેવીનો મૃતદેહ લઈને ઉમરા સ્મશાનભૂમિમાં અંતિમવિધિ માટે પહોંચ્યા હતા, પરંતુ પરિવારની અજ્ઞાનતાને કારણે તેઓ મૃત્યુ અંગેનું ફરજિયાત પ્રમાણપત્ર (ડેથ સર્ટી) લેવાનું ભૂલી ગયા હતા.
પરિવારની અજ્ઞાનતાથી વૃદ્ધાની અંતિમવિધિ અટકી
સ્મશાનભૂમિના નિયમો અનુસાર, પ્રમાણપત્ર વગર નનામી સ્વીકારવામાં આવતી ન હોવાથી, સ્મશાનભૂમિના સંચાલકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આના કારણે પરિવારની અંતિમયાત્રા અટવાઈ પડી હતી અને તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેવટે મૃતદેહને ફરી પાછો સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી.
અંતે તબીબે જરુરી પ્રમાણપત્ર આપતા અંતિમવિધિ કરાઇ
સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ, ફરજ પરના તબીબે મૃતક સુનિતાદેવીની બીમારીનો ઇતિહાસ અને અન્ય જરૂરી તપાસ કરીને અંતિમવિધિ માટેનું જરૂરી પ્રમાણપત્ર આપ્યું હતું. આ પ્રમાણપત્ર મળ્યા બાદ જ પરિવારજનો ફરી સ્મશાનભૂમિ પહોંચ્યા હતા અને વૃદ્ધાના અંતિમ સંસ્કાર કરી શક્યા હતા. આ ઘટનાએ અંતિમવિધિ માટેના કાયદાકીય નિયમો પ્રત્યે જાગૃતિની જરૂરિયાત ઊભી કરી છે.


