જૂનાગઢના પાતાપુર સીમ વિસ્તારમાં આવેલી એક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં બે સિંહ ઘૂસી જવાની ઘટના સામે આવતા માલિકો અને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ બંને સિંહ શ્વાનનો પીછો કરતાં-કરતાં ફેક્ટરીના પટાંગણ સુધી પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક સિંહ મુખ્ય ગેટમાંથી અંદર ઘૂસ્યો હતો, જ્યારે બીજો સિંહ દિવાલ પર ચડીને ફેક્ટરીના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો હતો.
શ્વાન પાછળ ફેક્ટરીમાં ઘૂસ્યા બે સિંહ
આ ઇન્ડસ્ટ્રીઝ ગીર જંગલની નજીક આવેલી હોવાથી અહીં અવારનવાર સિંહો પસાર થતા જોવા મળે છે. પરંતુ પહેલીવાર સિંહો ફેક્ટરીના પટાંગણમાં ઘૂસી ગયા હતા. દિવસ દરમિયાન ફેક્ટરીમાં કામકાજ ચાલુ હોવાથી જોખમ વધી શકે તેમ હતું. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ ઘટનાએ વિસ્તારમાં રહેતા લોકો અને કામદારોમાં ભયની લાગણી ફેલાવી દીધી છે. વન વિભાગે આ બાબતે ધ્યાન દોરવાની જરૂર છે.


