ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીના તબક્કાની ખુબ અસરકારક કામગીરી જોવા મળી છે.
યાદી જિલ્લા ચૂંટણી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી
SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ જે નાગરિકોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીયપક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જે 100 ટકા સફળ રહ્યું છે. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.
રાજ્યના કુલ 33 પૈકી 18 જિલ્લાઓની ASD યાદીમાં 0 વિસંગતતાઓ છે
5.08 કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ) યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણતાને આરે છે. રાજ્યના કુલ 33 પૈકી 18 જિલ્લાઓની ASD યાદીમાં 0 વિસંગતતાઓ છે. જ્યારે અન્ય 15 જિલ્લાઓમાં મળી માત્ર 400 વિસંગતતાઓના કિસ્સામાં ખરાઈની પ્રક્રિયા પ્રગતિમાં છે. આમ, આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.


