અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્યુટી ચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા એક યાત્રી પાસેથી અંદાજે 18 લાખ રૂપિયાની કિંમતની 2 રોલેક્સ (Rolex) ઘડિયાળો જપ્ત કરી છે. દુબઈથી અમદાવાદ આવેલા આ પેસેન્જરની હિલચાલ પર શંકા જતાં કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેમની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રવાસીના ખિસ્સામાંથી આ બંને મોંઘી ઘડિયાળો મળી આવી હતી.
શંકાના આધારે કસ્ટમ વિભાગે કરી હતી તપાસ
આ ઉપરાંત તેમની બેગમાંથી ઘડિયાળો સંબંધિત આંતરરાષ્ટ્રીય ગેરન્ટી કાર્ડ પણ મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ આ બંને રોલેક્સ ઘડિયાળો જપ્ત કરી લીધી છે. વિદેશથી લાવવામાં આવેલી આ મોંઘી વસ્તુઓ પર ડ્યુટી ભર્યા વિના છૂપાવીને લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગે હવે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


