નરોડામાં સાવરિયા શેઠ પાન પાર્લર પર એસઓજીએ રેડ કરી ગાંજાનું વેચાણ કરતા બે શખ્સોને પકડી પાડયા છે.
જેમાં આરોપીઓ ‘ગોગો પેપર’ના નામે ગ્રાહકોને ગાંજો પણ વેચતા હતા. પોલીસે રૂ. 82 હજારનો 1.646 કિલોગ્રામ ગાંજાનો જથ્થા સાથે કુલ રૂ. 92 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
શહેરમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નરોડામાં આવેલ પાન પાર્લર પર ગાંજો વેચાઇ રહ્યો છે. તેના આધારે પોલીસે સાવરિયા શેઠ પાન પાર્લરમાં દરોડા પાડતા ત્યાંથી 82 હજારની કિંમતનો 1.646 કિલોગ્રામ ગાંજો ઝડપાયો હતો. સાથે જ ગાંજા જેવા નશીલા પદાર્શનાં વ્યસન માટે વપરાતા ગોગો પેપરનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ મામલે એસઓજી દ્વારા ગુનો દાખલ કરી પાન પાર્લર સંચાલક વિજયસિંહ બાલોત અને પિયુષ ખલાસની ધરપકડ કરી હતી. જોકે આ આરોપીઓને ગાંજાનો જથ્થો આપનાર રાજસ્થાનનો આરોપી સુરેન્દ્રસિંહ દેવડા ફરાર હોય તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે દુકાનમાંથી મળી આવેલા ગોગો પેપરના જથ્થાનો નાશ કર્યો હતો. તેમજ આરોપી વિજયસિંહ રાજસ્થાનનો છે અને તે બે મહિનાથી તેના મામા ઘરે નાના ચિલોડાખાતે રહે છે અને પાન પાર્લર ચલાવે છે તેવું પૂછપરછમાં જાણવા મળ્યું હતું. આરોપી પિયુષ ઘોરણ-10 સુધી ભણેલ છે અને કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એસટી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ફ્રી સમયમાં તે વિજયસિંહના પાર્લર પર બેસીને ગાંજાના વેચાણમાં મદદરૂપ થતો હતો.


