નેત્રંગ તાલુકામાં ઝરણાથી વાઘણદેવી માર્ગ ઉપર વચ્ચે કિમ નદી પસાર થાય છે. આ નદી ઉપર પુલ બનાવવાની માગ વર્ષોથી હતી. હવે સરકારે પુલ બનાવવા માટે રૂા.3.50 કરોડની ગ્રાન્ટ મંજુર કરતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આજે પુલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના ઝરણાથી વાઘણદેવી ગામને જોડતો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે. બંને ગામની સીમમાંથી કિમ નદી પસાર થાય છે.
ચોમાસાની સિઝનમાં ભારે વરસાદથી વિધાર્થીઓને અભ્યાસ માટે જવા, યુવાનોની રોજીરોટી કમાવા અને ગ્રામજનોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી માટે જીવના જોખમે નદીમાંથી પસાર થવા મજબુર બનવું પડતું હતું. ભારે હાડમારીનો સામનો કરવો પડતો હતો. ઝરણા-વાઘણદેવી ગામ વચ્ચે કિમ નદી ઉપર પુલના નિર્માણની વર્ષોથી માંગ હતી. પરંતુ પરીણામ શુન્ય રહ્યું હતું. ઝરણા ગ્રા.પંચાયત સરપંચ ભુપેન્દ્રભાઇ ચૌધરીની વારંવાર લેખિત-મૌખિક રજુઆતથી રાજ્ય સરકારે પુલના નિર્માણ માટે રૂ.3.50 કરોડ મંજુર કરતાં ભરૂચ જી.પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાયસીંગભાઇ વસાવા અને નેત્રંગ તા.ભાજપ પ્રમુખ મનસુખભાઇ વસાવાના હસ્તે ખાતમુહુર્ત વિધી કરાય હતી.આઝાદીના 75 વર્ષ પછી પુલના નિર્માણની કામગીરીથી ગ્રામજનોમાં આનંદ વ્યાપી ગયો છે.


