વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર અરબ દેશ જોર્ડન પહોંચ્યા હતા. વડાપ્રધાન તરીકે 37 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન તરીકે પીએમ મોદીનો આ પહેલો પ્રવાસ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યુ કે બંને દેશોની મુલાકાત તરીકે આ બેઠક ભારત-જોર્ડન ભાગીદારીના નોંધપાત્ર વિસ્તરણનું પ્રતીક છે.નવી અને નવીનીકરણીય ઊર્જામાં આપણો સહયોગ સ્વચ્છ વૃદ્ધિ, ઊર્જા સુરક્ષા અને આબોહવા જવાબદારી પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
બંને દેશો વચ્ચેની મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યુ કે જળ સંસાધન વ્યવસ્થાપન અને વિકાસમાં સહયોગથી સંરક્ષણ કુશળતા અને ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપાયો શેર કરવામાં મદદ મળશે. જેનાથી હવે લાંબા સમય સુધી પાણીની સુરક્ષા સુનિશ્ચિત થશે. પેટ્રા અને એલોરા વચ્ચેનું ટ્વિનિંગ એગ્રીમેન્ટ વારસા સંરક્ષણ, પર્યટન અને શૈક્ષણિક આદાન-પ્રદાન માટે નવા માર્ગો ખુલ્લા કરશે.
સમાવેશી શાસનને પ્રોત્સાહન મળશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ (2025–2029)ના નવિકરણથી લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. અમારી ડિજિટલ નવીનતાઓ શેર કરવાથી જોર્ડનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સહારો મળશે અને સમાવેશી શાસનને પ્રોત્સાહન મળશે.
રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ
બંને નેતાઓએ સીમિત અને પ્રતિનિધિમંડળ સ્તરે બેઠક કરી. તેમણે પોતાની અગાઉની મુલાકાતો અને વાતચીતને આત્મિયતાથી યાદ કરી. તેમણે જણાવ્યું કે આ મુલાકાત એવા સમયમાં થઈ રહી છે જ્યારે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ ઉજવી રહ્યા છે. વડાપ્રધાને ભારત–જોર્ડન સંબંધોને મજબૂત બનાવવા માટે મહામહિમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.
ભારતની લડાઈ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું
કિંગ અબ્દુલ્લાએ આતંકવાદ સામે ભારતની લડાઈ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું. તેમણે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની કડક નિંદા કરી. પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરપંથનો સામનો કરવા તથા આ બુરાઈઓ સામેની વૈશ્વિક લડાઈમાં યોગદાન આપવા માટે કિંગ અબ્દુલ્લાના નેતૃત્વની પ્રશંસા કરી.
કયા-કયા 5 કરાર થયા?
1.નવી અને નવનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ માટે સમજૂતી પત્ર (MoU).
2.જળ સંસાધન વ્યવસ્થાપન અને વિકાસમાં સહયોગ માટે સમજૂતી પત્ર (MoU).
3.પેટ્રા (જોર્ડન) અને એલોરા (ભારત) વચ્ચે ટ્વિનિંગ કરાર.
4.વર્ષ 2025–2029 માટેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમનું નવિકરણ.
5.ડિજિટલ પરિવર્તન માટે સફળ ડિજિટલ ઉકેલોના આદાન-પ્રદાન અંગે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI).


