- આંગડિયા પેઢીમાંથી 4 લાખ લઈને પરત ફરી વેળાએ લૂંટ
- લૂંટારૂઓએ ગાડીને ટક્કર મારી લૂંટ ચલાવી ફરાર
- બાઈક પર હેલ્મેટ પહેરી આવેલા શખ્સે ચલાવી લૂંટ
સુરતના વરાછા નજીક જૂની બોમ્બે માર્કેટ પાસે આવેલી આંગડીયા પેઢીના કર્મચારીને ચપ્પુની અણીએ ધમકાવી બાઇકસવાર બે લૂંટારૂ રોકડાં ચાર લાખ કરતાં વધુની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. હજી તો રવિવારે રાત્રે અલથાણમાં પેટ્રોલ પંપના કર્મચારીને લૂંટની ઘટના બની હતી ત્યાં તો સોમવારે સાંજે સાડા સાત વાગ્યે લૂંટારૂનોએ બોમ્બે માર્કેટ પાછળ સુમસામ રસ્તા પરથી પસાર થઇ રહેલાં આંગડીયા પેઢીના કર્મચારીને શિકાર બનાવ્યો હતો.
વરાછા શીવા પાર્કમાં આવેલી આંગડીયામાં ઉઘરાણીનું કામ કરતો નાનારામ મહીધરપુરાની આંગડીયા પેઢીમાંથી રોકડાં બે લાખ તથા બીજી પરચૂરણ ઉધરાણી મળી ચાર લાખથી વધુની રોકડ લઇને વરાછામાં આવેલી પેઢી તરફ જઇ રહ્યો હતો. આ ઘટના જૂની બોમ્બે માર્કેટની પાછળના તરફના આવેલાં ગેટ નંબર 4 તરફથી પસાર થતાં સૂમસામ રસ્તેથી પસાર થઇ રહ્યો હતો તે વખતે એક બાઇક ઉપર ડબલ સવારી બે શખ્સોએ તેને આંતરી લીધો હતો. ચપ્પુની અણીએ ધમકાવી તેની પાસેથી રોકડ ભરેલો થેલો લૂંટીને ભાગી છૂટયા હતા.
ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. દુર્ભાગ્યે જ્યાં ઘટના બની હતી ત્યાં સીસીટીવી ફૂટેજ નહિ હોઇ આરોપીઓની ડિટેઇલ મળી શકી ન હતી. બીજી તરફ જે રીતે અવાવરૂ સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું અને આ કર્મચારી નિવેદન આપવામાં ગૂંચવાઇ રહ્યો હોઇ તે સાચું બોલી રહ્યો છે કે ખોટું તે જાણવામાં પોલીસ પણ રવાડે ચઢી હતી. ક્રાઇમ બ્રાન્ચે યુવાનને ઇન્ટ્રોગેશન માટે લઇ ગઇ હતી. તે સાથે જ તે જે રૂટ ઉપરથી પસાર થયો હતો ત્યાં તેની પાછળ કોણ આવી રહ્યું હતું તે જાણવા આ રૂટના સીસીટીવી ચકાસવાની મેરેથોન કસરત હાથ ધરી હતી.