- રખડતા ઢોર પકડવા 8 કલાકની શિફ્ટના રૂ. 565ના દરે મજૂરો રાખી
- સરકારી સંસ્થા પરના ગેરકાયેસર દબાણો દૂર કરીને પશુઓ રાખવાની જગ્યા ખુલ્લી કરાવવી
- વધુ અસરકારક બનાવવા સરક્યુલર જારી કરીને બે દિવસમાં સઘન કાર્યવાહી કરવા સૂચના
અમદાવાદમાં રખડતા ઢોરને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને નાના- મોટા અકસ્માતોને કારણે નાગરિકોને ઈજા થવાના અને કેટલાંક કિસ્સામાં મોત નીપજવાના કિસ્સાને ગંભીર ગણીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા AMCની આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી અને રખડતા ઢોરની સમસ્યાનો તત્કાળ ઉકેલ લાવવા કરેલી તાકીદને પગલે મ્યુનિ. તંત્ર સફાળું જાગ્યું છે. તાજેતરમાં યોજાયેલ હીયરિંગ દરમિાયન ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા. 7 નવેમ્બર, 2023 પહેલાં શહેરમાં ઢોર પકડવાની કામગીરી અસરાકરક બનાવવા માટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશને અનુસરીને AMC કમિશનર એમ. થેન્નારસને સરક્યુલર જારી કરીને ઢોર પકડવાની કામગીરી વધુ અસરકારક બનાવવા સરક્યુલર જારી કરીને બે દિવસમાં સઘન કાર્યવાહી કરવા સૂચના આપી છે.
ગુજરાત હાઈકોર્ટના હુકમનો અમલ કરીને ઢોર પકડવાની કામગીરી કરનાર ટીમ પર હુમલો કરીને પશુઓ છોડાવી જનાર, પશુ પકડવાની ટીમની આગળ- પાછળ બાઈકર્સ લાકડીઓ લઈ કામગીરીમાં અવરોધ ઉભા કરે, પશુ ભગાડવી જવાના કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા સૂચના આપી છે. શહેરમાં ઢોર, પશુ માલિકોએ બે દિવસમાં લાઈસન્સ/પરમીટ મેળવી લેવા, સિવિક સેન્ટરમાં નાણાં ભરી જવા, પશુઓ રાખવા માટે અપૂરતી જગ્યા હોય તેવા કિસ્સામાં 2 દિવસમાં પશુઓને શહેર બહાર શિફ્ટ કરવા અરજદારને લેખિત જાણ કરવાની રહેશે. આવા પશુ માલિકો નિયત સમયમાં પશુઓ શિફ્ટ ન કરે તો પશુઓ પકડીને ઢોરડબ્બામાં પૂરવા કાર્યવારી કરવા સૂચના આપી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા નો-કેટલ ઝોન જાહેરનામાનો અમલ કરીને બે દિવસમાં શિફ્ટ ન કરાયેલા પશુઓ પકડીને કેટલ પોન્ડમાં પૂરવાના રહેશે. કેટલ ન્યુસન્સ પોઈન્ટ, ઘાસચારા વેચાણના પોઈન્ટ દૂર કરવા. રખડતા ઢોર પકડવા દૈનિક 8 કલાકની શિફ્ટના રૂ. 565ના દરે મજૂરો રાખી, વાહન, સાધન, વિડીયોગ્રફી કરીને અસરકારક કામગીરી કરવી. ભૂતકાળમાં અમરાઈવાડી, ઓઢવ, બાગે ફિરદોશ (જુના, નવા) વિસ્તારોમાં પશુઓ રાખવા માટે રબારી વસાહતોમાં ફાળવેલા પ્લોટના મૂળ અરજદારને સુનાવણીની તક આપીને હાઈકોર્ટના હુકમસરની કાર્યવાહી કરીને જે તે હેતુ માટે પ્લોટ ફાળવેલ સિવાયની પ્રવૃત્તિ થતી હોય, ગેરકાયદેસર દબાણો થયા હોય તો નીતિ- નિયમો મુજબ કાર્યવાહી કરીને દૂર કરવા તથા ગૌચર/સરકારી જમીન/મ્યુનિ. કોર્પોરેશન /અન્ય સરકારી સંસ્થા પરના ગેરકાયેસર દબાણો દૂર કરીને પશુઓ રાખવાની જગ્યા ખુલ્લી કરાવવી.