- ગણતરીની સેકંડોમાં બોર્ડની કાર્યવાહી પૂર્ણ
- એજન્ડાના 24 પૈકી એકપણ મુદ્દાની ચર્ચા ન કરાઈ
- બ્રિજની હોનારતમાં બે યુવાનોના મોતનો મલાજો પણ ન જાળવ્યો : વિપક્ષ નેતા
પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં આજે ફરીથી ગણતરીની સેકંડોમાં સભા પૂર્ણ જાહેર કરી અને અગાઉની બોડીનુ પુનરાવર્તન કરી અને સિલસિલો યથાવત જાળવી લઈ શહેરની પ્રજાને પાલિકાના વહીવટની જાણકારીથી અલિપ્ત રાખવાનો પ્રયાસ થયો છે. ત્યારે આ મામલે વિપક્ષે સભાની શરૂઆતમાં જ વિપક્ષ નેતાએ ચીફ ઓફીસરના નિવેદન અંગે સવાલ ઉઠાવી અને નગરપાલીકાના કોન્ટ્રાક્ટરોના બિલના નાણાં ચૂકવવવા કોર્પોરેટરો દબાણ કરતા હોવાની બાબતે વિવાદ છેડતા મામલો ગરમાયો અને ગણતરીની સેકંડમાં જ બોર્ડ પુરુ કરી દેવાતા મામલો ગરમાયો અને વિપક્ષે નારેબાજી કરી વિરોધ દર્શાવ્યો હતો.
પાલનપુર નગરપાલીકામાં વિકાસના કામો તેમજ વહીવટીય બાબતો અંગે સાધારણસભા યોજવામાં આવી હતી. જ્યાં સાધારણસભાની શરૂઆતમાં જ ઠરાવો અંગે વિવાદ સજાયો હતો. જે અંગે વિપક્ષે આક્ષેપ કર્યા હતાં કે અમે જે મુદ્દાઓ પર મંજુરી આપી હતી. તે સિવાયના મુદ્દાઓમાં અમારી સંમતિ ખોટી રીતે દર્શાવી છે. અને ચીફઓફીસરના નિવેદન મામલે સવાલ ઉઠાવી અને કોર્પોરેટરો દબાણ કરતાં હોય તો તેમના નામ જાહેર કરવા માટે આક્રોશ ઠાલવતાં સભામાં ગરમાવો આવતાં તુરત જ સભા પૂર્ણ જાહેર કરી દેવાઈ હતી.આથી વિપક્ષે નારેબાજી સાથે પ્રમુખની ચેમ્બરની બહાર ભાજપના શાસકો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.અને પાલિકા દ્વારા કરવામાં આવતા કામોમાં ટકાવારી લેનારાઓ ટકારવારી બંધ કરો અને પાલનપુરની પ્રજાને ન્યાય આપો ના નારા લગાવ્યા હતા. બાદમાં પર્મુખની ચેમ્બરમાં જઈ અને ચર્ચા વગર બોર્ડ પુરુ કરવા મામલે રોષ ઠાલવ્યો હતો.અને કોંગ્રેસના સદસ્યોના વિસ્તારમાં કામ ન થતા હોવાના આક્ષેપ કરી અને પાણી તથા રસ્તા સહીતની સુવિધાઓ બાબતે જરુરી સુચના આપવા રજુઆત કરી હતી.અને બોર્ડમાં કોઈ ચર્ચા જ થઈ ન હોવાથી બોર્ડ ફરીથી બોલાવવા અને ચર્ચા કરવા માંગ કરી હતી. જો કે પાલિકા પ્રમુખે આ અંગે ખાતરી આપી જણાવ્યુ હતુ કે તેમના વિસ્તારમાં કામોની સમીક્ષા કરાશે. અને બાકી રહેલા કામો પુર્ણ કરાશે. અને જણાવ્યુ હતુ કે મારે બોર્ડ ચલાવુ હતુ. પરંતુ કોંગ્રેસના સભ્યોએ હોબાળો કરી ચલાવવા દીધુ નહી. આમ પાલનપુર નગરપાલિકામાં ગણતરીની સેકંડોમાં બોર્ડ પુરુ થતાં કોંગ્રેસે રોષ ઠાલવ્યો હતો.
બ્રિજની હોનારતમાં બે યુવાનોના મોતનો મલાજો પણ ન જાળવ્યો : અંકિતા ઠાકોર -વિપક્ષ નેતા
આ અંગે નગરપાલીકાના વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે જણાવ્યુ હતુ કે પાલનપુરમાં બ્રીજની ગર્ડર પડતા બે યુવાનોના મોત થતાં શહેરમાં શોકનો માહોલ છે.ત્યારે ભાજપના સત્તાધીશો સત્તાના મદમાં છકી ગયા અને આજે એસી ચેમ્બરમાં બેસીને આઈસ્ક્રીમની જ્યાફત ઉડાડી રહ્યા છે. તેને શરમજનક બાબત ગણાવી હતી.