- હિન્દુસ્તાન એન્વિરો લાઈફ પ્રોટેક્શન સર્વિસ લિમિટેડ એકમ સામે આણંદ જીપીસીબીની કાર્યવાહી
- ફરિયાદ કરનાર રહીશને ખંભાત ગ્રામ્ય પોલીસે ઝડપીને 12 કલાક સુધી પોલીસે સ્ટેશને બેસાડી રાખ્યો હતો
- જમીનમાં શોષાવાને કારણે ખેતીલાયક જમીનોને નુકસાન થઈ રહ્યુ છે
ખંભાતના વડગામ તડાતળાવ રોડ પર હિન્દુસ્તાન એન્વિરો લાઈફ પ્રોટેક્શન સર્વિસ લિમિટેડ નામની કંપની આવેલી છે. જે મોટા પ્રમાણમાં ઔદ્યોગિક કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી કરે છે. પરંતુ હાલ આ લેન્ડફિલ સાઈટની અસરથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા રહીશોનું સ્વાસ્થ્ય જોખમાયું છે. જેને કારણે રહીશોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ રૂબરૂ મુલાકાત કરી તપાસ 30 દિવસની અસરથી બંધ કરવાનો હુકમ કરતી નોટિસ કંપનીને ફટકારી હતી તેમ છતાય લેન્ડફિલ સાઈડમાં ઉંચી રાજકીય વગ ધરાવતા માલિકો રહીશો આરોગ્ય અને પર્યાવરણ સાથે ચેડા કરવામાં નીતિનિયમો ઘોળીને પી જતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો છે. રહીશોએ આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી કંપની બંધ કરવા આગેકૂચ કરી છે.
નોંધનીય છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી દ્વારા 30 દિવસની અસરથી બંધ કરવા હુકમ કરતી નોટિસ ફટકારવામાં આવી છે તેમ છતાંય લેન્ડફિલ સાઈટ ધમધમી રહી છે. જેને કારણે સાઈટમાંથી છૂટતી ઝેરી પવન આડ અસરથી છેવાડાના તડાતળાવ, વડગામ, વૈણજ સહિતના ગામડાના રહીશોમાં ખાંસી, શ્વાસની બીમારી, ગળુ પકડાવું, અને બાળકોમાં ચામડીના રોગોની તકલીફો સર્જાઈ છે. જનજીવનના આરોગ્ય સામે ખતરારૂપ આ સાઈટને બંધ કરવા રહીશોએ રજૂઆત કરી હતી પરંતુ માલિકો દ્વારા પોલીસના દબાણ થકી રહીશોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરિયાદ કરનાર રહીશને ખંભાત ગ્રામ્ય પોલીસે ઝડપીને 12 કલાક સુધી પોલીસે સ્ટેશને બેસાડી રાખ્યો હતો અને તેના પર અટકાયતી પગલા લઈ જવા દેવામાં આવ્યો હતો.
એક વર્ષથી સાઈટની અસરથી ચામડીના રોગો,
શ્વાસની તકલીફ, ખાંસીની તકલીફો થઈ રહી છે
હિન્દુસ્તાન એન્વિરો લાઈફ પ્રોટેક્શન સર્વિસ લિમિટેડ લેન્ડફિલ સાઈટમાં કેમિકલયુક્ત ઔદ્યોગિક કચરો ઠાલવવામાં આવે છે જેની પ્રક્રિયાની આડઅસરથી ઝેરી પવનને કારણે તડાતળાવનાં રહીશોમાં શ્વાસની તકલીફો, ખાંસી અને ગળુ પકડાવાની સમસ્યા સર્જાઈ છે. નાના બાળકોમાં ચામડીના રોગો નીકળ્યા છે. રાત્રિ દરમિયાન અમારી ઉંઘ હરામ થઈ ગઈ છે. આરોગ્ય સામે ખતરારૂપ કંપની સામે કાર્યવાહી કરી બંધ કરવી જોઈએ.
30 દિવસની અસરથી બંધનો હુકમ કરતી નોટિસ આપી છે
રહીશો દ્વારા મળેલ રજૂઆતને પગલે લેન્ડફિલ સાઈટની મુલાકાત કરી સ્થળ તપાસ કરી હતી. જેમાં મળેલ પર્યાવરણીય ત્રુટિઓ ધ્યાને આવતાં હિન્દુસ્તાન એન્વિરો લાઈફ પ્રોટેક્શન સર્વિસ લિમિટેડ એકમ સામે પગલાં લેવામાં આવ્યા છે અને 10-10-2023ના રોજ 30 દિવસની અસરથી બંધનો હુકમ પાઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બંધનો હુકમ છતાંય માલિકો દ્વારા એકમને ચાલુ રાખવામાં આવ્યો છે. પર્યાવરણીય નીતિનિયમોને ઘોળીને પી જઈ કોઈને ડર જ ન હોય તેમ રહીશો સાથે વર્તી રહ્યા છે.
સાઈટની 200 મીટર જમીનમાં કેમિકલયુક્ત પાણી નીકળે છે
કેમિકલયુક્ત કચરાને સાઈટમાં ઠલવાતા તેમાંથી છૂટતું ઝેરી પાણી 200થી 500 મીટરની આસપાસ ખેતીલાયક જમીનમાંથી નીકળી રહ્યું છે. જે જમીનમાં શોષાવાને કારણે ખેતીલાયક જમીનોને નુકસાન થઈ રહ્યુ છે. પાકનો ઉતારો ઓછો થયો છે ખેતી પર નિર્ભર જીવન ગુજરાન કરનાર માટે પણ જોખમરૂપ કંપની બંધ થવી જોઈએ.