- અમદાવાદના રિવરફ્રન્ટ પર રન ફોર યુનિટીનું આયોજન
- CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યાં
- સુરત, વડોદરા, રાજકોટમાં પણ રન ફોર યુનિટીનું આયોજન
દેશભરમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી થઇ રહી છે. જેમાં રન ફોર યુનિટી દ્વારા સરદાર પટેલને શ્રદ્વાંજલિ અર્પી છે. તેમાં રાજ્યના 8 મહાનગરોમાં રન ફોર યુનિટીનું આયોજન છે. તેવામાં અમદાવાદના રિવરફ્રન્ટ પર રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યાં છે. તથા સુરત, વડોદરા, રાજકોટમાં પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.
અંદાજિત 7000 થી વધુ લોકોએ ભાગ લીધો
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી છે. એક ભારત શ્રેષ્ઠ ભારત – દોડશે અમદાવાદ, જોડશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન થયું છે. 4.2 કિલોમીટરની દોડમાં અંદાજિત 7000 થી વધુ લોકોએ ભાગ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 31 મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
આ દોડ કુલ 4.2 કિલોમીટર અંતરની રહી હતી
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે. સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ 4.2 કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત 7000થી વધુ લોકો જોડાયા હતા. આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સર્વ ધારાસભ્ય તેમજ તમામ કાઉન્સિલર અને અન્ય મહાનુભાવોએ, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.