- આસો માસની સુદ સાતમથી પૂનમ સુધી જૈનો આયંબિલ તપની તપશ્ચર્યા કરે છે
- દૂધ, દહીં, તેલ, ઘી, મીઠું, ખાંડ વગરની વસ્તુઓ જ આયંબીલમાં આરોગી શકાય છે
- જૈન સાધુ-સાધ્વીઓની નીશ્રામાં શ્રાવકો દ્વારા 9 દિવસ દરમિયાન આયંબીલની તપશ્ચર્યા
જૈન ધર્મમાં આસો માસની ઓળીનું તીર્થંકર ભગવંતોએ અનેરૂ મહત્વ દર્શાવ્યુ છે. આસો માસની સુદ સાતમથી પુનમ સુધી 9 દિવસો વીવીધ તપશ્ચર્યાઓમાંથી એક એવી આયંબીલની તપશ્ચર્યા જૈનો કરે છે. જૈન ધર્મમાં નવકારશી, પોરસી, એકાસણા, બેસણા, ઉપવાસ સહીતની તપશ્ચર્યાઓ કરવામાં આવે છે. તપશ્ચર્યા ઓમાં આયંબીલનું પણ અનેરૂ મહત્વ રહેલુ છે.
આસો માસની સુદ 7થી પુનમ સુધી 9 દિવસ આસો માસની શાશ્વતી ઓળીનો તા. 20ને શુક્રવારથી પ્રારંભ થયો છે. આ નવ દિવસ દિવસમાં એક જ વાર આયંબીલના તપસ્વીઓ દુધ, દહી, તેલ, ઘી, મીઠુ, ખાંડ વગરનો આહાર લે છે. સામાન્ય દિવસોમાં ભોજનમાં એક દિવસ પણ આવી વસ્તુઓ વગર જમવુ અશકય લાગે છે. ત્યારે જૈન શ્રાવકો 9 દિવસ સુધી દુધ, દહી, તેલ, ઘી, મીઠુ, ખાંડ વગરનો આહાર લે છે. આયુર્વેદની દૃષ્ટીએ પણ આ સમયમાં આવી ખાદ્યચીજોને વર્જીત ગણવામાં આવી છે. આસો માસનો આ સમય ચોમાસાનો અંત અને શીયાળાની શરૂઆત હોય છે. ત્યારે આવા સમયે દુધ, દહી, ઘી, તેલ, મીઠુ, ખાંડનો ત્યાગ કરવાથી શરીરમાં કફ, પીત્ત, વાયુનો પ્રકોપ વધતો નથી. સુરેન્દ્રનગરના વીવીધ જૈન ઉપાશ્રાયો અને જીનાલયોમાં ચાતુર્માસ અર્થે બીરાજમાન જૈન સાધુ-સાધ્વીઓની નીશ્રામાં શ્રાવકો 9 દિવસ દરમિયાન આયંબીલની તપશ્ચર્યા કરશે.