ચાલો સાથીઓ, આજે રાજગૃહીનગરમાં ધનસાર્થવાહને ઘેર લૂંટ કરવા જવાનું છે! એક ડાકુઓના સરદાર એવા મિલાતીપુત્રે પોતાના સાથીઓને આવો આદેશ આપેલો.
વાત એવી બનેલી કે રાજગૃહી નગરીમાં એક અત્યંત ધનવાન શેઠ હતા. ધનસાર્થવાહ એમનું નામ હતું. એમનું કામ પણ બહુ મોટું હતું. દેશ-વિદેશમાં એમનો વ્યાપાર ચાલતો. એમની પત્નીનું નામ હતું ભદ્દા શેઠાણી. એમને પાંચ દીકરાઓ હતા. દીકરાઓ પણ સરસ જાણે રાજકુમાર જેવા હતા. પાંચે ભાઈઓનો સંપ પણ કેવો! પાંચે ભાઈ સાથે ને સાથે જ હોય. ભણવામાં, જમવામાં કે રમવામાં બધે પાંચે ભાઈઓ સાથે ને સાથે.
એમના ઘરમાં એક દાસી હતી. એનું નામ મિલાતી હતું. એને એક દીકરો હતો. દાસીના દીકરાનું કંઈ નામ હોય? લોકો એને મિલાતીપુત્ર કહીને બોલાવતા.
ભદ્દા શેઠાણીએ પાંચ ભાઈ ઉપર એક દીકરીને જન્મ આપેલો, એનું નામ હતું સુંસુમા. નાની દીકરી બધાને વહાલી લાગે. બધા એને તેડી તેડીને ફરતા હોય. એમના મુખમાંથી નીકળતા મીઠા શબ્દો સાંભળીને બધાને આનંદ થતો. એમાં પેલો મિલાતીપુત્ર પણ હતો. એ પણ આખો દિવસ એને ઉપાડીને ફરતો હોય. સુંસુમા એને ગમતી. એની સાથે વાત કરવાનું, એની સાથે રમવાનું આ બધામાં એને મજા આવતી. સુંસુમાને પણ એની સાથે ફાવતું. નાના છોકરાઓને તો કેવું કે તમે એને બોલાવો, રમાડો કે પછી કંઈક સારું ખવરાવો એટલે એ તમારા થઈ જાય. મિલાતીપુત્ર આખો દિવસ સુંસુમાને ઉપાડીને ફરે અને એ રડે એટલે એના ગુપ્ત ભાગમાં હાથ ફેરવે એટલે એ રડવાનું બંધ કરી દે. અનાદિકાળના આ સંસ્કારો માણસના હોય છે.
ધનસાર્થવાહની નજરમાં આ ઘટના આવી ગઈ. સુંસુમા રડતી હશે. મિલાતીપુત્ર એનાં અંગો ઉપર ફેરવતો હશે એવા સમયે ધનસાર્થવાહ ત્યાં આવી પહોંચ્યા. કોઈ પણ માણસ પોતાના સંતાન સાથે આવો વ્યવહાર કરે એ કેવી રીતે સહન કરે? એમને ગુસ્સો આવ્યો. મિલાતીપુત્રને ઘરમાંથી તો રવાના કરી દીધો, પણ સાથે એને તાકીદ કરી છે ખબરદાર હવે ક્યારેય ગામમાં પગ મૂક્યો છે તો તારું આવી બનશે. હવે પછી ક્યારેય નગરમાં પગ ન મૂકતો.
બિચારો મિલાતીપુત્ર રવાના થયો, પણ એને સુંસુમા વગર ચેન પડતું નથી, પણ પાછા તો જવાય એમ નથી. આગળ ચાલે છે. ચાલતાં ચાલતાં એ કોઈ ચોરીની પલ્લી પાસે પહોંચ્યો. ભૂખ તો લાગેલી હતી. ચોરોએ આવકાર આપ્યો. ખવડાવ્યું. એમની સાથે એને ફાવી ગયું. ક્યાં જવું? એ તો પ્રશ્ન જ હતો આ લોકોએ એને આગ્રહ કર્યો રહી જાને! આપણે બધા સાથે રહીને મજા કરીશું.
આ પણ વિચાર કરે છે આ લોકો આટલો આગ્રહ કરે છે અને બીજે ક્યાંય જવાની આપણી પાસે જગ્યા પણ ક્યાં છે. એ તો ત્યાં જ રહી ગયો.
કોઈ એકલદોકલ વટેમાર્ગુ પસાર થતા હોય ત્યારે એના ધનમાલ લૂંટીને મજાથી રહેવાનું, બીજું તો કોઈ કામ હોય નહીં. ખાઈ પીને વાતોના તડાકા મારવાના હોય. નવરો પડે ત્યારે એને ધનસાર્થવાહ યાદ આવે. એણે આપેલો ઠપકો પણ યાદ આવે અને સાથે પેલી સુંસુમાની પણ યાદ સતાવે, પણ એ અત્યારે કંઈ પણ કરી શકે એમ ન હતો. એ વિચારતો કે બદલો તો લેવો જ છે. સમય આવવા દે. એ ધનને પણ દિવસે તારા બતાવવા છે. જોકે, અત્યારે એ પોતે જ રાત-દિવસ સપનાંઓ જોઈ રહ્યો હતો. બિચારો કરે પણ શું?
એનો પણ દિવસ આવ્યો. એ પોતે બધા ચોરોનો સરદાર બન્યો છે. એની આગેવાની હેઠળ બધા ચોરી-ડકૈતી માટે જાય અને ધનમાલ લૂંટી લાવે. એક દિવસ એણે પોતાના સાથીઓને કહ્યું, આજે આપણે રાજગૃહીમાં જવાનું છે. ધનવાન એવા ધનસાર્થવાહના ઘેર જઈને લૂંટ ચલાવવાની છે. તમારી તાકાત હોય એટલું ઉપાડજો. જે મળે એ તમારે બધાએ વહેંચી લેવાનું એમાંથી મારે કંઈ જ લેવાનું નથી. માત્ર એની કન્યા હું રાખીશ. આ રીતના એણે જાહેરાત કરીને એ રાજગૃહી નગરીમાં ધનસાર્થવાહને ઘેર ધાડ પાડવા રવાના થયા.
મિલાતી આખા ઘરના ભૂગોળથી પરિચિત હતો. અેને એ પણ જાણ હતી કે કયા કમરામાં કોણ હોય છે અને એમાં શું ચીજ હોય છે. ધનભંડાર ક્યાં રાખવામાં આવેલો છે એ પણ એને ખબર હતી. ખાસ તો પેલી સુંસુમા કયા કમરામાં છે એની પણ એને જાણ હતી.
ધનસાર્થવાહના ઘેર પહોંચીને ફટાફટ કામ પતાવવા માંડ્યા. સોન- રૂપાનાં ઘરેણાં અને રોકડા રૂપિયાનાં પોટલાં બાંધે છે અને હવે એક જ કામ કરવાનું બાકી છે. સૂતેલી સુંસુમાને ઉપાડીને રવાના થવાનું વિચારોની ગતિથી કામ ચાલુ કર્યું. એમાં થોડો અવાજ થયો. અવાજના કારણે શેઠની ઊંઘ ઊડી ગઇ છે. રાતના અંધારામાં એટલી ખબર પડી કે આપણા ઘરમાં ચોર પડ્યા છે અને માલમિલકત લઈને જઇ રહ્યા છે. શેઠે પોતાના દીકરાઓને જગાડ્યા. આ બાજુ પેલા લોકો રવાના થઇ ગયા. મિલાતીપુત્ર સુંસુમાને ઉપાડીને દોડવા લાગ્યો. એને અણસાર આવી ગયેલો કે ધનશેઠ સિપાઇઓને લઇને આવવો જ જોઇએ. બધા પૂરતું જોર લગાડીને ભાગવા લાગ્યા.
શેઠના ધ્યાનમાં આવ્યું ધન તો લઇ ગયા, પણ સાથે સાથે આપણી દીકરીને પણ ગઇ ગયા છે. આપણી દીકરી ચોરો ઉપાડી જાય એમાં તો કેટલી નાલેશી થાય! આવું તો કેમ ચાલે?
સિપાઇઓ અને દીકરાઓને લઇને શેઠ પણ આ લોકોની પાછળ પડ્યા. ઘોડા દોડાવે છે. ઘોડાઓને પણ જાણે ખબર પડી ગઇ છે કે કંઇક બની ગયું છે. એટલે એ પણ તીવ્ર ગતિથી ભાગે છે.
અવાજ નજીક આવતો જાય છે. ચોર લોકો પણ વિચાર કરે છે માલ બચાવવો કે માથું બચાવવું. માથું હશે તો માલ ઘણો આવશે એટલે માલ કરતાં માથાની કિંમત વધારે છે.
મિલાતી વિચારે છે આને ઉપાડીને કેટલું જવાશે એના કરતાં હવે આને અહીં જ પતાવી દેવી સારી એટલે એણે હેઠેથી કુહાડી કાઢી. સુંસુમાને એના વાળથી પકડીને ગળા ઉપર કટારી ફેરવી દીધી. ધડ રસ્તાની એક તરફ ફેંકી દીધું.
આ બાજુ પેલા લોકો આવ્યા. એમણે જોયું ધનમાલ અહીં મૂકીને ચોરો પલાયન કરી ગયા છે. થોડે આગળ ચાલ્યા તો રસ્તાની એક તરફ સુંસુમાનું ધડ પડેલું જોયું. દીકરીને મારી નાંખી છે. ધનશેઠ હતાશ થઇ ગયા. મન દુ:ખી થઇ ગયું. હવે એ લોકોને પકડીને પણ શું કરવાનું, મારી દીકરી તો બિચારી ગઇ જ ને! દુખાતા દિલે એ બધા પાછા વળી ગયા. આ બાજુ મિલાતીપુત્ર એક હાથમાં કટારી અને બીજા હાથમાં વાળથી પકડેલું સુંસુમાનું મસ્તક લઈને આગળ વધી રહ્યો છે.
સવારનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. આકાશમાં અજવાળું થઈ ગયું છે. જોકે, આકાશમાં અજવાળું હોય એનો બહુ અર્થ નથી હોતો. આપણા અંતરમાં અજવાળું થવું જોઈએ. અંતરના અંધકારને દૂર કરવાનો પ્રયાસ કરવો પડે. જોકે, મહેનત બહુ ઓછી કરવાની હોય અને ફળ સૌથી વધારે મળે એમ હોય છે, પણ મનથી નક્કી કરવું પડે અને અંધકારને આવતો રોકવો પડે તો જ અજવાળું થાયને!
એક મહાત્મા કોઈ ઝાડની નીચે ઊભા ઊભા ધ્યાન કરી રહ્યા હતા. આણે એમને જોયા. એ સીધો એમની નજીક પહોંચ્યો અને મોટેથી એમને કહ્યું જલદી ધર્મ બતાવો. સાચો ધર્મ બતાવો નહીં તો તમારી પણ આ દશા થશે.
આના એક હાથમાં કટારી હતી અને બીજા હાથમાં એક સ્ત્રીનું મસ્તક હતું. એનો અર્થ એવો થાય કે એક હાથમાં રાગનું સાધન છે અને બીજા હાથમાં દ્વેષનું સાધન છે. અત્યંત રાગી માણસને કે અત્યંત દ્વેષી માણસને ધર્મ સંભળાવવાનો શાસ્ત્રમાં નિષેધ છે, કારણ કે તમારા પ્રયત્નનું ફળ મળવું જોઈએ. નિષ્ફળ ક્રિયા કરવાનો કોઈ અર્થ ન ગણાય. અત્યંત રાગ દ્વેષવાળી વ્યક્તિને તમે ધર્મ સંભળાવો તો એ માત્ર વિવાદ માટે જ થવાનો. ધર્મ તમને વિવાદ માટે નહીં, પણ સંવાદ માટેની અનુમતિ આપતો હોય છે.
આ મહાત્મા વિશિષ્ટ હતા. એમણે આ બધો વિચાર કરીને એણે પ્રશ્ન કર્યો છે તો જવાબ પણ આપવો જોઈએ એટલે એમણે ધ્યાન સમાપ્ત કરીને ત્રણ શબ્દો આપ્યા. સાચો ધર્મ ઉપશમ-વિવેક અને સંવરમાં છે. આટલું બોલીને એ મહાત્મા આકાશમાં ઊઠીને અન્યત્ર ચાલ્યા ગયા. આ વિચારે છે નક્કી આ આકાશમાં ઊડવાનો મંત્ર હોવો જોઈએ. જે હોય તે, એ તો તરત જ એ મહાત્માના પગની છાપ જ્યાં પડેલી હતી ત્યાં પોતાના પગ ગોઠવીને ઊભો રહ્યો અને વિચાર કરવા લાગ્યો મહાત્મા શું કહીને ગયા.
ઉપશમ-વિવેક-ક્રિયા.
ઉપશમ એટલે ચિત્તની શાંતિ, જ્યાં શાંતિ હોય ત્યાં ધર્મ હોય. મારામાં શાંતિ છે? શાંતિ હોય એવો માણસ આવાં કામો કરે? હિંસા અને ચોરી કરવાવાળાને ક્યાંથી શાંતિ હોય? પણ હવે મારે આવાં કોઈ કામ કરવાં નથી. જ્યાં હિંસા અને ચોરી હોય ત્યાં ધર્મ પણ ક્યાંથી આવે? મારા જીવનમાં મારે ધર્મ અપનાવવો છે એ જ મારા જીવનને સુંદરતા આપશે. એણે મનથી નિશ્ચય કરી લીધો મારા જીવનમાંથી ઉપશમ હવે ક્યાંય જશે નહીં.
બીજો શબ્દો એમણે કહ્યો હતો વિવેક. મારામાં વિવેક છે? વિવેકવાળો માણસ આવી રીતે વાત કરે? એની વાત કરવાની આવી પદ્ધતિ હોય? જેને ધર્મ મેળવવાની ઈચ્છા હોય એ માણસ વિવેકપૂર્વક ગુરુની પાસે જાય અને વિનયપૂર્વક બોધ પ્રાપ્ત કરે, પણ મારામાં આમાંનું શું?


