- મૃતકની લાશને સળગાવવામાં મદદગારી કરનાર સામે પણ ગુનો નોંધાયો
- જાન જોખમમાં મુકાય એવી કામગીરી હોવા છતાંય
- જોતરતા પોલીસની કુલ પાંચ સામે કાર્યવાહી
મૂળી તાલુકાના ખંપાળિયા ગામની સીમમાં ખનીજ ચોરી કરતા સમયે ભેખડ ધસી પડતા ત્રણ શ્રામિકોના મોત થયાની બાબતને દબાવી દીધા બાદ એમ્બ્યુલન્સ વાનમાં મૃતકને લઇ જવાનું સામે આવતા મુળી પોલીસે દાહોદ જઇને પરિવારની પુછપરછ કરી પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને પોલીસની મદદથી મૂળી થાનગઢ પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થયેલા ઉંડા ખાડા બુરાણ કરવાની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.ત્યારે અમુક જગ્યાએ રાત્રે ગેરકાયદે ખનીજ ચોરી થતી હોય એવામાં મૂળીના ખંપાળીયા ગામની સીમમાં ખનીજચોરી કરતા સમયે ભેખડ ધસી પડતા ત્રણ લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી હતી.પરંતુ ખાણીયાઓ દ્વારા મૃતકના પરિવારજનોને ધાકધમકી આપી એમ્બ્યુલન્સ ભાડે કરીને દાહોદ વતનમાં મૃતકને મોકલી દેવાયા હતા. આ એમ્બ્યુલન્સમાં લઇ જવાયા હોવાનું સામે આવતાની સાથે જ એસપી ગીરીશ પંડયા દ્વારા તાત્કાલિક મૂળી પીએસઆઇ ડી.ડી.ચુડાસમા સહિતની ટીમને તાત્કાલિક શ્રામીકોના વતન દાહોદ વિસ્તારમાં મોકલી જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવા સુચના આપતા તાત્કાલિક મૂળી પોલીસની ટીમ શ્રામીકોના ઘેર જઇ પરિવારજનોના નિવેદન લીધા હતા. ત્યારબાદ પોલીસને જાણવા મળ્યુ કે મૃતક પાસે ખાણમાં હેલ્મેટ કે સલામતીના સાધનો વગર કામ કરાવતા સમયે ભેખડ ધસી પડતા મોત થયા હતા. પરંતુ ધાક ધમકી આપી મોકલી દેવાયા હતા. જેથી પોલીસે લાશ સગેવગે કરાવનાર સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સદર મામલે શામજીભાઇ ધીરૂભાઇ ઝેઝરીયા, જનકભાઇ કેશાભાઇ પરમાર, કિશોર હેમુભાઇ બાવળીયા(ત્રણેય રહે.ખંપાળીયા), દેવશીભાઇ (જમીન માલિક, રહે.ગઢડા) તેમજ દિનેશભાઇ નામના શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.
મૂળી પોલીસ દ્વારા ત્રણનાં મૃત્યુ મામલે તપાસ
મૂળી પીએસઆઇ ડી.ડી.ચુડાસમાએ જણાવેલ કે ભેખડ ધસી પડતા મોત થયાનું ખાણીયા દ્વારા દબાવી દીધા બાદ જાણ થતા શ્રામિકોના વતનમાં જઇ પુછપરછ કરતા સલામતીના સાધનો વગર શ્રામિકોના મોત થાય એમ હોય એવી કામગીરી કરાવતા ત્રણના મોત થતા પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે.
ભેખડ ધસી પડતા ત્રણ શ્રામિકનાં મોત, બે ઇજાગ્રસ્ત
કાળીબેન સુરેશભાઇ ડામોર, સુરેશભાઇ ભુરજીભાઇ, જયલાભાઇ વાળા સહિત ત્રણ દાહોદ વિસ્તારના શ્રામીકોના ખાણમાં ખંપાળીયા વિસ્તારમાં ભેખડ ધસી પડતા મોત થયા હતા અને અનીલ ગુલાભાઇ, રેખાબેન મુકેશભાઇને ગંભીર ઇજા પહોચી હતી.
સરકારી જમીન કે ગૌચરમાંથી થતી ખનીજ ચોરી અટકાવવા 3 દિવસના પ્રતીક ઉપવાસ
સરકારી જમીન કે ગૌચરમાં ખનીજ ચોરી થતી હોય તેને અટકાવવાની માંગણી સાથે રામકુભાઇ સહિતના આગેવાનો જિલ્લા કલેકટર ઓફીસ સામે ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે.


